નવી દિલ્હીઃ લીકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર 9 એપ્રિલે મંગળવારે દિલ્હી હાઇકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. જે અંતર્ગત દિલ્હી હાઇકોર્ટે દિલ્હી હાઇકોર્ટે એક્સાઇઝ પોલિસી મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી છે. એટલે કે કેજરીવાલને હજુપણ કસ્ટડીમાં લાંબો સમય પસાર કરવો પડશે. ઉલ્લેખનીય છે કે ઈડીની કસ્ટડી બાદ કોર્ટે કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા, હાલ તે તિહાર જેલમાં બંધ છે.
ઈડી પાસે પૂરતા પુરાવાઃ હાઇકોર્ટ
દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ઈડી પાસે પૂરતી સામગ્રી હતી, જેના કારણે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ તપાસમાં ન જોડાતાં થયેલા વિલંબથી ન્યાયિક કસ્ટડીમાં રહેલા લોકો પર પણ અસર પડી છે. દિલ્હી હાઇકોર્ટે સ્વીકાર્યું છે કે, ઇડી દ્વારા કરાયેલી ધરપકડ કાયદેસર છે, જરૂર પડતાં ઈડી ધરપકડ કરી શકે છે. દિલ્હી હાઇકોર્ટે પણ ટ્રાયલ કોર્ટ દ્વારા ઈડીને આપેલા રિમાન્ડના આદેશને યથાવત્ રાખ્યો છે. આ સાથે અરવિંદ કેજરીવાલને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાના નિર્ણયને પણ યથાવત્ રાખવામાં આવ્યો છે.
દિલ્હી હાઇકોર્ટે આદેશ આપતાં કહ્યું કે, આ જામીનનો મામલો નથી. અરજીમાં ઈડી દ્વારા કરાયેલી ધરપકડને પડકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તપાસ ઝડપથી પૂરી કરવામાં આવે, કારણ કે અરવિંદ કેજરીવાલ સમન્સ પર હાજર થયા ન હોવાથી ઘણો સમય બગડ્યો છે. કોર્ટને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. કોર્ટ કાયદા પ્રમાણે કામ કરે છે. આ પહેલાં પણ રાજકારણીઓ સાથે જોડાયેલા મામલા સામે આવ્યા છે અને કોર્ટે કાયદા અને બંધારણ મુજબ કામ કર્યું છે.
ઈડીની દલીલ
ઈડીની દલીલ છે કે અત્યાર સુધીના પુરાવા દર્શાવે છે કે કેજરીવાલ આપના કન્વીનર છે. ગોવાની ચૂંટણીમાં રૂ. 45 કરોડનો ખર્ચ થયો હતો. કેજરીવાલના વકીલે આ અંગે વિરોધ કરતાં કહ્યું હતું કે, સરકારી સાક્ષી બનવાનો નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવે છે, તપાસ એજન્સી દ્વારા નહીં. જો પ્રશ્ન ઊભો થાય તો સવાલ કોર્ટ સામે જ ઊભો થાય છે. શરથ રેડ્ડીએ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા બીજેપીને પૈસા આપ્યા, તેનાથી આ કોર્ટને કોઈ લેવાદેવા નથી. દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે, આરોપી મુજબ તપાસ થઈ શકે નહીં. સરકારી વ્યક્તિ હોવાના કારણે કોઈને રાહત મળી શકે તેમ નથી. દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે, જો તપાસ એજન્સીને લાગે છે કે તપાસ માટે ધરપકડ જરૂરી છે તો તે ધરપકડ કરી શકે છે.
અરવિંદ કેજરીવાલના સવાલ
કેજરીવાલે કહ્યું કે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમની ધરપકડ કરવામાં આવી છે. આ લોકશાહી, નિષ્પક્ષ ચૂંટણી અને સમાન તક સહિત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન છે. જ્યારે ઈડીએ કહ્યું છે કે, કાયદો દરેકને સમાન રીતે લાગુ પડે છે.

