રાજકોટઃ જાણીતા લેખક નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં દરવર્ષે શ્રેષ્ઠ પત્રકારને નચિકેત એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે એબીપી અસ્મિતાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રોનક પટેલને મોરારિબાપુના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. આ પ્રસંગે મોરારિબાપુએ જણાવ્યું હતું કે, નગીનબાપાને લોકો નાસ્તિક સમજતા હતા, પરંતુ તેઓ સત્યના ઉપાસક હતા. નિર્ભય હતા. મારા માટે નગીનબાપા એક સદગ્રંથ હતા.
મોરારિબાપુએ કહ્યું હતું કે, એમણે રામાયણ વિશે લખ્યું છે અને ગીતાના ઘણા લક્ષણ મેં તેમનામાં જોયાં છે. બાપાએ એક વખત કહ્યું હતું કે, મારા દેહનો અગ્નિસંસ્કાર કરતા નહીં, મેં એવું કંઈ કર્યું નથી કે મારા માટે એક વૃક્ષનો ભોગ લેવાય. કોરોનાકાળ દરમિયાન બાપાએ વિદાય લીધી અને અગ્નિસંસ્કાર કર્યા. એમના અસ્થિને મેં મારા તલગાજરડામાં સમાધિ આપી છે અને એના પર આંબો વાવ્યો છે. એમણે હંમેશાં બીજાને ફળ આપ્યાં છે.
એવોર્ડ સ્વીકાર્યા બાદ પ્રતિભાવ આપતાં રોનક પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ પત્રકારને જ્યારે પત્રકારના નામ સાથે એવોર્ડ મળે એથી વિશેષ આનંદ અન્ય ન હોઈ શકે. ઉપરાંત હું જેની કથા સાંભળવા જતો એ મોરારિબાપુના હસ્તે આ એવોર્ડ મળે છે. મારા ભગવાન સરદાર પટેલ છે. નગીનભાઈમાં પણ મને સરદારનાં દર્શન થાય છે.
આ પ્રસંગે ગુજરાત મિત્રના મેગેઝિન એડિટર બકુલ ટેલરે નગીનદાસ સંઘવીના સર્જન પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે નગીનદાસભાઈ સો વર્ષનું આયુષ્ય જીવીને ગયા પણ તેમના લેખોનું આયુષ્ય શાશ્વત છે. આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર ભરત ઘેલાણીએ એવોર્ડ વિશે માહિતી આપી હતી.

