બન્નીમાં ચિત્તાને અનુકૂળ ઘર બનાવવાની પૂર્વ તૈયારી શરૂ

Wednesday 10th April 2024 04:57 EDT
 
 

ગાંધીનગરઃ આગામી ત્રણ વર્ષ પછી ગુજરાત એકમાત્ર એવું રાજ્ય હશે, જેમાં એશિયાટિક સિંહ, દીપડા અને ચિત્તા એમ ત્રણેયનો વસવાટ હશે. ડિસેમ્બર-2023માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના કચ્છના બન્ની ગ્રાસલેન્ડને ચિત્તાના બ્રીડિંગ સેન્ટર તરીકે મંજૂરી આપ્યા બાદ વનવિભાગે પણ ચિત્તાને આવકારવા માટે પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે.
કચ્છનું પ્રખ્યાત બન્ની ઘાસિયા મેદાનમાં એશિયાના સૌથી મોટા મેદાન પૈકી એક ગણાય છે અને તે લગભગ 2617 ચોરસ કિ.મી.માં પથરાયેલું છે, જે હવે ચિત્તાનું નવું ઘર બનશે. હવે ગુજરાત વનવિભાગ ઓછામાં ઓછા 16થી 20 ચિત્તાને જોડીમાં સ્થળાંતર કરીને લાવી શકાય તે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. બન્નીના ઘાસિયા મેદાનમાં વસાવવા ચિત્તાને લાવવાનો આ તબક્કો 2025માં શરૂ કરાશે. અંદાજે 500 કિ.મી. હેક્ટરના વિસ્તારની ફરતે ફેન્સિંગ કરાશે. તે પછી સફળતા મળતાં આગામી દાયકામાં 40થી 50 ચિત્તા વસવાટ કરી શકશે તેવી ગણતરી મુકાઈ રહી છે.
વનવિભાગના જણાવ્યા મુજબ ચિત્તા માટે શિકાર તરીકે ચિંકારાની ઉપલબ્ધિ પણ ઘાસિયા મેદાનમાં જરૂરી છે તેને ધ્યાનમાં રાખીને ચિંકારા બ્રીડિંગ સેન્ટર પણ ઊભું કરવા તૈયારી કરી દેવાઈ છે. તે પછી સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને ચિત્તાનો વસવાટ કરવાની પણ જવાબદારી છે, કારણ કે ઘાસિયા મેદાનની આજુબાજુ 48 જેટલાં ગામ છે અને લગભગ 60 ટકા લોકો પશુપાલન પર આધારિત છે. ચિત્તાના વસવાટથી સરવાળે પ્રવાસન વધશે અને કચ્છને ભરપૂર ફાયદો થશે.
ગાંડા બાવળ દૂર કરાશે
કચ્છના ઘાસિયા મેદાનના કુલ વિસ્તારમાં ગાંડા બાવળનાં અનેક વૃક્ષ છે, જેને 2019થી વનવિભાગ દ્વારા દૂર કરવાની ઝુંબેશ શરૂ કરાઈ છે. તેના સ્થાને ઘાસિયા મેદાનને અનુકૂળ છોડ-વૃક્ષોનું સંવર્ધન શરૂ કરાયું છે. અત્યાર સુધી 130 ચોરસ કિ.મી.માં આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક આગળ વધ્યો છે. આગામી વર્ષોમાં તેને 760 ચોરસ કિ.મી. સુધી લઈ જવાશે.


comments powered by Disqus