બોરસદમાં કોર્ટની ચેમ્બરમાં ઘુસી બે શખ્સોનો જજ પર હુમલો

Wednesday 10th April 2024 06:43 EDT
 
 

આણંદઃ બોરસદ કોર્ટમાં બે શખ્સોએ જજની ચેમ્બરમાં ઘૂસી હુમલો કરી દેતાં અફરાતફરી સર્જાઈ હતી. ભરબપોરે હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ જતાં પોલીસે અલગ-અલગ ટીમ બનાવી હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. હાઇકોર્ટ દ્વારા પણ સમગ્ર મામલે અહેવાલ માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
શુક્રવારે બપોરે એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.ડી નંદાણી પોતાની ચેમ્બર હાજર હતા, તે સમયે બે અજાણ્યા શખ્સો ત્યાં ઘૂસી આવ્યા હતા. બંને શખ્સોએ ન્યાયાધીશને મુક્કા મારી શર્ટનાં બટન તોડી નાખ્યાં હતાં અને ચેમ્બરમાં પડેલી ટિપોઈ તેમના પર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત બીભત્સ ગાળો અને મારી નાખવાની ધમકી આપી બંને શખ્સો ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા હતા.


comments powered by Disqus