ગાંધીનગરઃ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે અમદાવાદ મહાનગરના પાંચ હજારથી વધુ બૂથ પ્રમુખોને સંબોધન કરતાં કહ્યું હતું કે, ‘પ્રમુખ પાસે કોઇ જાદુઇ લાકડી નથી. જે છે તે કાર્યકર્તાઓ, બૂથ પ્રમુખ, પેજ કમિટી અને શક્તિ કેન્દ્રોના કાર્યકરોની તાકાત છે.’ તેમણે ઉમેર્યું કે, ‘ભાજપના 1.13કરોડ પ્રાથમિક સભ્યો છે અને ૭૪ લાખ પેજ કમિટીના સભ્યો છે. પેજ કમિટીના સભ્યએ સરેરાશ 3-3 મતદારોનો સંપર્ક કરી મતદાનના દિવસે ભાજપ તરફે મતદાન કરાવે તો 2.22 કરોડ મત મળી શકે એમ છે. આના લીધે ભાજપની વર્તમાન લીડમાં 54 લાખ મતનો વધારો થાય.’
આ વખતે લોકસભામાં 26-26 બેઠકો પર પાંચ પાંચ લાખની લીડથી અચૂક વિજય હાંસલ કરી શકીશું એવો મને વિશ્વાસ છે, તેમ કહી પાટીલે કહ્યું કે, તમારી તાકાત પર મને ભરોસો છે. 2022 વિધાનસભા ચૂંટણીમાં માત્ર 3.05 લાખ મત ઓછા મળ્યા એના લીધે 26 બેઠક હારી ગયા અને આપણે 182માંથી 156 પર અટકી ગયા હતા. આપણે 2024 લોકસભાની ચૂંટણીમાં આવી ભૂલ ફરી ન થાય એ જોવાનું છે,’ પાટીલે કહ્યું કે, તમને સોંપાયેલું કામ તમે જ કરજો..! પ્રમુખે બૂથ પ્રમુખોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, મેં કહ્યા પ્રમાણે કામ કરશો તો ઘણી બેઠકો પર કોંગ્રેસની ડિપોઝિટ પણ જપ્ત થવાનો મને વિશ્વાસ છે. ભાજપના 1.13 કરોડ પ્રાથમિક સભ્યો છે અને 74 લાખ પેજ કમિટીના સભ્યો છે. દરેક ઘરમાં સરેરાશ એક સભ્ય ભાજપનો છે એમ કહી શકાય.

