ભુજઃ ભુજની શિક્ષિકા દ્વારા સેનેટરી પેડ અંગે દીકરીઓ, મહિલાઓમાં જાગૃતિ લાવવાનું કામ 6 વર્ષથી કરાય છે, જેનાથી પ્રભાવિત થઈ જર્મનીનાં મહિલા તબીબ નૈયાબહેન નાયકે આ કાર્ય માટે આર્થિક સહયોગ આપ્યો હતો.
ભુજની નવનીતનગર પંચાયતી પ્રાથમિક શાળાનાં શિક્ષિકા કૃપાબહેન નાકરે આ અંગે જણાવ્યું કે, સામાન્ય રીતે 12થી 14 વર્ષની વચ્ચે દીકરીઓને માસિક ધર્મની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. દેશના અમુક ગામડાંમાં આજેપણ પિરિયડ્સને લઈને ઘણી બધી યુવતીઓ અને મહિલાઓમાં ખોટો ભય અને અંધશ્રદ્ધા જોવા મળે છે. આજે પણ તે અંગે ખૂલીને વાત કરતાં મહિલાઓ અટકાય છે. તો આ ગેરસમજ કે ખોટી માહિતીથી નવી પેઢીને બહાર લાવવા કચ્છના વિવિધ તાલુકાની દીકરીઓ માટે છેલ્લાં 6 વર્ષથી ભુજનાં શિક્ષિકા કૃપાબહેન નાકરે બીડું ઝડપ્યું છે. તેમના કહેવા મુજબ એક સરવે મુજબ 81 ટકા ગ્રામ્ય મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ કરતી નથી અને 36% ગ્રામ્ય સ્ત્રીઓ પેડ અંગે જાણતી જ નથી.
કૃપાબહેન જણાવે છે કે, હાલમાં જિલ્લાના 10 તાલુકાની 275 શાળામાં દીકરીઓને સેનેટરી પેડ પહોંચાડે છે અને તે અંગેની માહિતી આપે છે. શરૂઆતમાં આ ખર્ચ માત્ર મેં મારા ખર્ચે જ ઉઠાવ્યો હતો. જો કે સમય જતાં મારા આ કાર્યને અનેક મહિલાઓ અને સંસ્થાઓ દ્વારા બિરદાવવામાં આવ્યું છે અને મને 7 દાતા પણ મળ્યા છે, જેના દ્વારા આ ભગીરથ કાર્યમાં હું વધુ આગળ વધી છું. ત્યાં સુધી કે દાતાઓના સહકારથી ભુજની 3 શાળામાં સેનેટરી પેડ મશીન પણ વસાવવામાં આવ્યું છે.

