રાજકોટઃ છેલ્લા ઘણા સમયથી રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીના નામની ચાલી રહેલી અટકળોનો મંગળવારે અંત આવ્યો છે. રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારી દર્શાવતાં રાજકોટ બેઠક પર ચૂંટણીજંગ જામ્યો છે. ચૂંટણી લડવા મનાવવા ગયેલા કોંગ્રેસ અગ્રણીઓની માગ ધાનાણીએ સ્વીકારતાં રાજકોટમાં રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે.
રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે
લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી તા. 16મી એપ્રિલે ભાજપના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેઓ વિશાળ રેલી સાથે રાજકોટ કલેક્ટર કચેરી પર પહોંચશે.
આંદોલન ગુજરાત સુધી સીમિત નહીં રખાયઃ ક્ષત્રિય આગેવાનો
ધંધૂકાના ઘરડા ઘર ગ્રાઉન્ડમાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના આગેવાનો સહિત 15 હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા અને પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી હતી. આ સિવાય રૂપાલા વિરુદ્ધનું આંદોલન ગુજરાત સુધી જ સીમિત ન રહેવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.
રૂપાલાને ખસેડવા સિવાય કોઈ વાત મંજૂર નહીંઃ ક્ષત્રિયો
ભાજપના સંવિકારો અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે અમદાવાદમાં મળેલી બેઠક નિષ્ફળ રહી. બંને પક્ષે દોઢેક કલાકની મંત્રણાને અંતે ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના આગેવાનોએ એક ઝાટકે કહ્યું હતું કે, “ભાજપ રૂપાલાને રાજકોટમાંથી ખસેડી લે, તેના સિવાય કોઈ જ વાત મંજૂર નથી”
ક્ષત્રિય સમાજમાં વ્યાપેલા રોષને ઠારવા માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં ભાજપના ક્ષત્રિય નેતા સાથે બેઠક યોજી હતી. જેના અંતે પૂર્વ કેબિનેટ મંત્રી ચૂડાસમાએ કહ્યું કે, પરસોત્તમભાઈ રૂપાલાએ ઉચ્ચારણ કર્યાના અડધો-પોણો કલાકમાં જ વીડિયો મારફતે માફી માગી લીધી હતી. એ પછી પણ એમણે બે વખત માફી માગી છે.

