લુપ્તતાને આરે પહોંચેલા ‘સુજની આર્ટ’ને 164 વર્ષે GI ટેગ મળ્યો

Wednesday 10th April 2024 06:43 EDT
 
 

ભરૂચઃ શહેરની આગવી ઓળખ એટલે ખારી સિંગ અને સુજની. સુજની બનાવતાં પરિવારો ઓછા મહેનતાણા સહિતનાં અનેક કારણોસર આ કલાને આગળ ધપાવવા માગતા ન હોવાથી સુજનીની કળા લુપ્તતાના આરે પહોંચી હતી. 12 માર્ચ 2023ના રોજ જિલ્લા વહીવટીતંત્ર તરફથી સુજનીની લુપ્ત થતી કળાને બચાવવા માટે પ્રોજેક્ટ રોશની શરૂ કરવામાં આવ્યો હતો. માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં રોશની પ્રોજેક્ટની રોશની સમગ્ર દેશમાં જોવા મળી છે.
40 વર્ષ બાદ ભરૂચમાં પ્રથમ પ્રોટોટાઇપ સુજની હાથશાળ વિકસિત કરવામાં આવી હતી. હાથશાળામાં કલાકારો, વિદ્યાર્થીઓ, સંશોધકો અને કલારસિકો માટે વિશેષ પ્રયાસ થકી સુજની, તેને બનાવવાની કળાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જેઓ આ કામ છોડી દીધું હતું તેઓ પાછા જોડાઈ રહ્યા છે.
નવી પેઢીના લોકો આ કલાને શીખવા માટે આગળ આવી રહ્યા હોવાથી સુજનીની કલા ફરી જીવંત થઈ છે. માત્ર એક વર્ષના ગાળામાં ભારત સરકારે ભરૂચની સુજનીને જીઆઇ ટેગ આપવાની જાહેરાત કરી છે. રોશની પ્રોજેક્ટમાં ભરૂચના કલેક્ટર ડો. તુષાર સુમેરા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર જે.બી. દવે, મહાત્મા ગાંધી નેશનલ ફેલો નીરવ સંચાણિયા, રોટરી ક્લબના રિઝવાના જમીનદાર, સુજનીવાલા પરિવારના મુઝક્કિર સુજનીવાલા, રફિક સુજનીવાલા સહિતના સભ્યોનો સમાવેશ થાય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 9 વિશેષ ઉત્પાદનોને જીઆઇ ટેગ મળી ચૂક્યાં છે અને આ યાદીમાં હવે 10મું નામ ભરૂચની સુજનીનું સામેલ થયું છે.


comments powered by Disqus