અમદાવાદઃ લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના ઉમેદવારોને પાંચ લાખથી વધુ માર્જીન સાથે જીતવાનો ટાર્ગેટ આપ્યો છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ 4 બેઠકમાં જ 5 લાખ કરતાં વધારે મતથી જીતી શક્યો હતો. આ 4 બેઠકમાં નવસારી, સુરત, વડોદરા અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.
ભાજપે તમામ બેઠક જીતી હતી
2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠક જીતી હતી અને આ તમામ બેઠકમાં વોટ શેર 50 ટકાથી વધુ હતો. જેમાં સુરતમાં સૌથી વધુ 74.50 ટકા, નવસારીમાં 74.40 ટકા, વડોદરામાં 72.30 ટકાનો વોટ શેર હતો. દાહોદ બેઠકમાં સૌથી ઓછો 52.80 ટકાનો વોટ શેર મળ્યો હતો. બીજા ક્રમે રહેલા ઉમેદવારને વોટ શેર 30 ટકાથી પણ ઓછો હોય તેવી 6 બેઠક હતી. જેમાં નવસારી, સુરત, વડોદરા, ગાંધીનગર, પંચમહાલ, અમદાવાદ પૂર્વ અને ખેડા બેઠકનો સમાવેશ થાય છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે વડોદરા, નવસારી, સુરત એમ 3 બેઠકમાં 5 લાખ કરતાં વધુ મતથી વિજય મેળવ્યો હતો. 2014 લોકસભામાં 26 પૈકી 23 બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવારને 5 લાખથી વધુ વોટ મળ્યા હતા. જે બેઠકમાં 5 લાખ કરતાં ઓછા વોટ મળ્યા, તેમાં અમરેલી, જામનગર અને આણંદનો સમાવેશ થાય છે.
પાંચ-પચાસ હજાર મતોનો ફરક પડે: બાબુ જમના પટેલ
રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલે કહ્યું કે, કોઈ રૂપાલાની સામે હોય એવું કોઈ નથી. ઉમેદવાર બદલવા પક્ષનો નિર્ણય છે. ભાજપના તમામ ઉમેદવારો 5 લાખની લીડથી જીતશે. જો વિરોધ થાય તો માત્ર પાંચ-પચાસ હજાર મતોનો ફરક પડે. બીજું કઈ થાય નહીં. આમ એકબાજુ ભાજપા નેતાઓ વિવાદ ઠારવા પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બાબુ જમનાએ વિવાદની આગને હવા આપી છે.

