ગાંધીનગરઃ ગાંધીનગરના હેલિપેડ પર મંગળવારે 9 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું. આ સાથે વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમોની પણ શરૂઆત થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ પણ જોવા મળ્યા. બંને નેતાએ સાથે ટ્રેડ શોમાં વિવિધ સ્ટોલની મુલાકાત કરી હતી. ટ્રેડ-શોમાં બુલેટ ટ્રેનનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પ્રધાનમંત્રી મોદી જ્યારે ટ્રેડ-શોની મુલાકાત લેવા અંદર જઈ રહ્યા હતા ત્યારે અને બહાર આવ્યા ત્યારે જય શ્રીરામના નારા લાગ્યા હતા.
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદરે કહ્યું કે, વાઇબ્રન્ટ સમિટ ‘વિકસિત ભારત 2047'નો રોડ મેપ તૈયાર કરશે. 10મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત યોજાતા આ ગ્લોબલ ટ્રેડ -શોમાં ઓસ્ટ્રેલિયા, તાન્ઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, એસ્ટોનિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, UAE, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા, રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ કુલ 20 દેશ પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે. જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે 1 હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થશે, જે વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલાં સંશોધનો અને નવીનતાને રજૂ કરશે. ટ્રેડ-શોમાં વિઝિટિંગ તરીકે 100 દેશો, જ્યારે પાર્ટનર તરીકે 34 દેશ ભાગ લઈ રહ્યા છે.
આ ટ્રેડ-શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, પોર્ટ્સ અને મરિન જેવાં ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો ઉપરાંત ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ, ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન, એરક્રાફ્ટ અને આનુષાંગિક ઉદ્યોગો, રિન્યુએબલ એનર્જી, સેમિ કંડક્ટર અને ESDM, ફિનટેક, સાઇબર સુરક્ષા સહિતના ઉદ્યોગો ટ્રેડ શોનાં આકર્ષણ રહેશે.
પ્રધાનમંત્રીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 જાન્યુઆરીએ મંગળવારે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2024 અંતર્ગત દેશનો સૌથી વિશાળ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2024નું ઉદઘાટન કર્યું. આ ઉદઘાટન પ્રસંગે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસી, તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ મેન્યુઅલ રામોસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વિચ ઓન કરીને તક્તીનું અનાવરણ કરીને ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મૂક્યો હતો.
આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીના હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટથી જ સમૃદ્ધિ અને વિકાસયાત્રા દર્શાવતી ધ સમિટ ઓફ સક્સેસ ટુવર્ડ્સ રિયલાઇઝેશન ઓફ ફુલેસ્ટ પોટેન્શિયલ ઑફ ગુજરાત નામની ઇ-કોફી ટેબલ બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત-2024 અમૃતકાળની પ્રથમ સમિટની યાદમાં સ્મારક સિક્કા તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સ્મારક સ્ટેમ્પનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
નેધરલેન્ડની કંપનીઓ 3.4 બિલિયન યૂરો રોકશે
નેધરલેન્ડની કંપનીઓ દ્વારા ગુજરાત સહિત ભારતમાં 2030 સુધીમાં કુલ નવું 3.4 બિલિયન યુરોનું મૂડીરોકાણ થશે. સ્થાનિક નેધરલેન્ડ બિઝનેસ સપોર્ટ ઓફિસના ટ્રેડ તથા ઇન્વેસ્ટમેન્ટ કમિશનર અમલાન બોરાએ સોમવારે જાહેર કર્યું હતું કે, નેધરલેન્ડના ભારતસ્થિત નવા રાજદૂત મારિસા જેરાર્ડ્સની આગેવાનીમાં 45 જેટલી કંપનીના 158 ડેલિગેટ્સમાં પાંચ કંપનીઓના સીઈઓ ધરાવતું વિશાળ પ્રતિનિધિ મંડળ દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેશે. સતત ચોથીવાર પાર્ટનર કન્ટ્રી તરીકે સમિટમાં જોડાઈ રહેલું નેધરલેન્ડ 10મી અને 11મીએ મહાત્મા મંદિરમાં બે સેમિનાર પણ યોજશે.
વાઇબ્રન્ટથી 20 વર્ષમાં જીડીપી રૂ. 21.61 લાખ કરોડ
10મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની યજમાની માટે ગુજરાત સજ્જ હોવાનું કહીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશનાં અન્ય રાજ્યોને આ પ્રકારની સમિટનું આયોજન કરવા માટે ગુજરાતે પ્રેરણા આપી છે. આ ઇવેન્ટ એ વૈશ્વિક કાર્યક્રમ બની ગયો છે. યાત્રાનાં 20 વર્ષ દરમિયાન રાજ્યની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વધીને રૂ. 21.61 લાખ કરોડ સુધી પહોંચી છે, જે દેશના જીડીપીમાં 8.3 ટકાનો ફાળો આપે છે.
ચિપ ઉત્પાદન માટે અમેરિકા, જાપાન, કોરિયા સાથે વાટાઘાટ
ઔદ્યોગિક વિકાસમાં દેશમાં અગ્રણી એવા ગુજરાતમાં સુદૃઢ વ્યવસ્થા, માળખાકીય સગવડો અને રોકાણકારલક્ષી નીતિઓના કારણે દેશ-વિદેશના ઉદ્યોગ સાહસિકો રોકાણ કરવા ઉત્સુક છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લા સહિત અન્ય અગ્રણી કંપનીઓ સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે.
PM સુઝુકી, જનરલ ઓટોમિક્સ સહિતના CEO સાથે વાટાઘાટ કરશે
ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ કંપનીઓના સીઈઓ સાથે વાટાઘાટ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટમાં આવનારી વિશ્વની ટોપ કંપનીઓના સીઈઓ સાથે વાટાઘાટ કરવાના છે, જેમાં જાપાનની સુઝુકી મોટર, યુએસએની માઇક્રોન ટેક્નોલોજી સહિતની કંપનીના સીઈઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ અંતર્ગત દેશ અને ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સાહી કંપનીઓ સાથે વાટાઘાટ કરવાના છે, જેમાં વિશ્વમાં સેમિ કંડક્ટર ક્ષેત્રે કામ કરતી નામાંકિત કંપની માઇક્રોન ટેક્નોલોજીના સીઈઓ સંજય મેહરોત્તરા સાથે પણ વાતચીત કરશે.
અતિથિવિશેષ ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી
ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી પીટર ફિયાલા 10 જાન્યુઆરીએ દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન સત્રમાં અતિથિવિશેષ પદે હાજરી આપવા માટે સંમત થયા છે. ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાની સોપારી લેવાના આરોપસર પકડાયેલો નિખિલ ગુપ્તા અત્યારે ચેકની જેલમાં પુરાયેલો છે અને તેનો કેસ ચેકની રાજધાની પ્રાગની કોર્ટમાં ચાલી રહ્યો છે. તો બીજી તરફ નિખિલ ગુપ્તાના કુટુંબીજનોએ કરેલી હેબિયર્સ કોર્પસ પિટિશન અહીં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સંબંધો ડહોળાતાં આ મહત્ત્વના બહુચર્ચિત કેસના પરિપ્રેક્ષ્યમાં ચેક પ્રધાનમંત્રીનું ગાંધીનગરમાં આવવું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ડાયસ શેર કરવાની ઘટના સ્વાભાવિક રીતે જ એક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ બની રહેશે.
તિમોર લેસ્ટે દેશના પ્રેસિડેન્ટ સામાન્ય ફ્લાઇટમાં આવ્યા
કોઈપણ દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી ચાર્ટર્ડ ફ્લાઇટથી જ પ્રવાસ કરે તેવું જોવા મળતું હોય છે, પરંતુ અમદાવાદ એરપોર્ટમાં અલગ ચિત્ર જોવા મળ્યું હતું. જેમાં તિમોર-લેસ્ટે દેશના પ્રેસિડેન્ટે ચાર્ટર્ડમાં નહીં પણ શેડ્યૂલ્ડ ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર આગમન કર્યું હતું. આ દેશ વ્યૂહાત્મક રીતે ભારત માટે ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જેના કારણે તેમને વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.
એરપોર્ટ પર 100થી 120 ચાર્ટર્ડ મૂવમેન્ટની શક્યતા
વાઇબ્રન્ટ સમિટ-2024ને પગલે મોટા પ્રમાણમાં વીવીઆઇપી પધારશે, જેથી અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનની મૂવમેન્ટ વધી જશેે. 9થી 12 જાન્યુઆરી સુધી દેશ-વિદેશથી આવનારા પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓની હાજરીથી એરપોર્ટ પર ચાર દિવસમાં 40થી 50 ચાર્ટર્ડ પ્લેનની 100થી 120 મૂવમેન્ટ નોંઈ શકે.

