અમદાવાદઃ સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેન્ચે બુધવારે અદાણી જૂથ સામે કરવામાં આવેલા કંપનીના શેર્સમાં મેનિપ્યુલેશન તથા એકાઉન્ટિંગ ગોટાળાના આક્ષેપોને ફગાવ્યા હતા. એનજીઓ ઓર્ગેનાઇઝ્ડ કાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ તરફથી દેશના ટોચના ઔદ્યોગિક જૂથ સામે આ આક્ષેપો કરાયા હતા. સુપ્રીમ કોર્ટે યુએસ શોર્ટ સેલર હિન્ડનબર્ગના રિપોર્ટને કારણે નિયમોનો ભંગ થયો હોય અને રોકાણકારોને નુકસાન થયું હોય તો તેની સત્તાનો ઉપયોગ કરી સેબીને આ અંગે તપાસ કરવા નિર્દેશ કર્યો હતો. ખંડપીઠના અન્ય બે ન્યાયાધીશોમાં જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાનો સમાવેશ થતો હતો. સીજેઆઈ ચંદ્રચૂડે તેમના ચુકાદાને વાંચી સંભળાવતાં જણાવ્યું હતું કે, મીડિયા અથવા કોઈ સંસ્થા તરફથી પ્રગટ કરાયેલો પુરાવો ન ધરાવતાં થર્ડ પાર્ટી રિપોર્ટ્સને સેબી જેવા રેગ્યુલેટર સામે પુરાવા તરીકે માન્ય રાખી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે નાણાકીય ક્ષેત્રમાં નિયામક તંત્રને મજબૂત કરવા, સુધાર કરવા અને સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું. અરજદારો તરફથી અદાણી સામેના આક્ષેપોની તપાસ સેબી પાસેથી છીનવીને SIT પાસે કરાવવાની માગણીના પણ સુપ્રીમ તરફથી ઇનકાર કરવામાં આવ્યો હતો. ખંડપીઠે જણાવ્યું હતું કે આ મામલે SIT તપાસ કરાવવાનું કોઈ કારણ નથી.
સીજેઆઈ ચંદ્રચૂડની સૂચક ટિપ્પણીઓ કરતાં કહ્યું કે, ન્યાયાલયમાં સવાલ રજૂ કરવા માટે ન્યૂઝ પેપરનો રિપોર્ટ કે થર્ડ પાર્ટી ઓર્ગેનાઇઝેશન પર ભરોસો કરી શકાય નહીં. ઉપરાંત જાહેરહિતની અરજીઓ જે પૂરતા પુરાવા ધરાવતી નથી અને અપ્રમાણિત રિપોર્ટસ પર આધારિત છે તેને સ્વીકારી શકાય નહીં. હિન્ડનબર્ગ રિપોર્ટે કાયદાનો ભંગ કર્યો છે, તેને કારણે રોકાણકારોને નુકસાન થયું છે, તેની સેબી તથા સરકાર તપાસ કરે.
ગૌતમ અદાણીએ સુપ્રીમ કોર્ટની મંજૂરી પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું કે, માનનીય સર્વોચ્ચ અદાલતનો નિર્ણય દર્શાવે છે કે સત્યનો વિજય થયો છે.

