અંજારઃ વૈભવી વારસો અને સંસ્કૃતિના કેન્દ્ર કચ્છ જિલ્લાના અંજારનો 5 જાન્યુઆરીએ 1479મો સ્થાપના દિવસ ઊજવવામાં આવ્યો. સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સવારે 10 વાગ્યે નપા કચેરીથી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.
જે દરમિયાન અજેપાળ દાદાના મંદિરે પૂજા અર્ચના કરીને શોભાયાત્રા ગંગા નાકે પહોંચી હતી, જ્યાં નપા પ્રમુખે ખીલીપૂજન અને તોરણવિધિ કરી હતી. સ્થાપના દિવસના કાર્યક્રમ અંતર્ગત અંજાર ટાઉનહોલમાં વરિષ્ઠ વડીલો અને સંસ્થાઓનું સન્માન, ખેલ મહોત્સવમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું. ઉજવણી અંતર્ગત અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ રમતની હરીફાઈનું પણ આયોજન કરાયું હતું. જે કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા ઉપરાંત સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, સ્વામિનારાયણ સંતો, રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

