કડીઃ અયોધ્યા નગરીમાં 22મી જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવાની છે, ત્યારે સમગ્ર દેશમાં આરએસએસ દ્વારા ‘ઘર ઘર અક્ષત’ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઘર-ઘર અક્ષત અભિયાનને લઈ અક્ષત કળશનું દરેક સોસાયટીઓમાં ઢોલ-નગારા સાથે સામૈયું કરવામાં આવ્યું.
અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સમગ્ર દેશમાં ‘ઘર ઘર અક્ષત’ અભિયાન 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ચાલશે. કડીની દરેક સોસાયટીઓ તેમજ મહોલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. અક્ષત તેમજ બે પત્રિકા દરેક ઘરે પહોંચે તે માટે ઘર ઘર અક્ષત અભિયાનનું આયોજન કરવામાં આવેલું છે.

