વલ્લભવિદ્યાનગરઃ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને બેચલર ઓફ વોકેશનલની જર્નાલિઝમ એન્ડ માસ અભ્યાસક્રમની આણંદની કોલેજ દ્વારા નં. 13928થી ડિગ્રી આપવામાં આવી હતી. જે ડિગ્રીને લઈને વિવાદનો મધપૂડો છેડાયો છે. એક વિદ્યાર્થીએ સરદાર પટેલ યુનિવર્સિટીમાં કેન્દ્રીય મંત્રીની ડિગ્રીને લઈને કેટલીક માહિતી માગતાં ખળભળાટ મચી ગયો છે.
ખેડાના સાંસદ અને કેન્દ્રના સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણને તાજેતરમાં જ યુનિવર્સિટી દ્વારા ડિગ્રી એનાયત કરાઈ હતી. જો કે ડિગ્રીના મુદ્દે અભ્યાસનો કાર્યકાળ, તેઓની પરીક્ષામાં હાજરીને લઈને એક વિદ્યાર્થી ભાવિન પ્રજાપતિએ સરદાર પટેલ યુનિ. પાસેથી માહિતી માગી છે. વિદ્યાર્થી ભાવિન પ્રજાપતિએ દેવુસિંહ જેસંગભાઈ ચૌહાણને અપાયેલી ડિગ્રી સમયે માર્કશીટ સાથેના અન્ય પુરાવા, કોલેજમાં મેળવેલા પ્રવેશના પુરાવા, સેમેસ્ટર-1 થી 6ની લેવાયેલી પરીક્ષાની હોલ ટિકિટ તથા માર્કશીટ, પરીક્ષામાં તમામ 6 સેમેસ્ટરની વિદ્યાર્થી તરીકે કે પરીક્ષાર્થી તરીકે પરીક્ષાખંડમાં હાજરી અંગેના સીસીટીવી ફૂટેજની માગણી કરતાં જ યુનિ.નું તંત્ર હરકતમાં મુકાયું છે.
એક તરફ સંસદસભ્ય છેલ્લા કેટલાક સમયથી જાહેર જીવનમાં હોઈ તેઓએ કયા સમયે કોલેજમાં પૂર્ણ સમયનો અભ્યાસ કર્યો અને તેમની પરીક્ષામાં હાજરી અંગે પણ માહિતી માગતાં વિદ્યાર્થીએ શંકા વ્યક્ત કરી છે.

