કોંગ્રેસની ચા મીઠી, વખત આવ્યે નિર્ણય લઈશઃ મધુ શ્રીવાસ્તવ

Wednesday 10th January 2024 05:57 EST
 
 

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે એક રાજકીય પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જોડાવાની મોસમ ખીલી છે. આવા સંજોગોમાં વાઘોડિયા બેઠક પરથી સતત 7 વખત ચૂંટાયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમની દબંગ ઇમેજ પ્રમાણે ખુલ્લેઆમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પ્રદેશ કાર્યાલયે મળ્યા હતા. મુલાકાત પછી શ્રીવાસ્તવે કહ્યું કે, કોંગ્રેસની ચા મીઠી હતી. અગાઉ સી.આર. પાટીલને પણ મળ્યો હતો અને અત્યારે શક્તિસિંહને મળ્યો છું. સમય આવ્યે નિર્ણય લઈશ. શ્રીવાસ્તવે સ્પષ્ટતા કરી હતી કે, અત્યારે હું ભાજપમાં પણ નથી અને કોંગ્રેસમાં પણ નથી. ભાજપ પાર્ટીએ મારી સાથે અન્યાય કર્યો છે. મને પણ વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણીમાં ફોર્મ ભરવા દીધું નહીં અને મારા પુત્રને પણ ટિકિટ આપી નહીં, એટલે કંઈ પણ થઈ શકે છે. કોંગ્રેસ સાથે હજુ જોડાવાનું નક્કી નથી તેવી સ્પષ્ટતા મધુ વાસ્તવે કરી હતી અને એમ કહ્યું હતું કે, કાર્યકરો કહે તેમ કરીશું. કાર્યકરો કહે અપક્ષ લડો તો અપક્ષ લડીશું. અત્યારે કંઈ કહી શકાય નહીં. શક્તિસિંહ સાથેની મુલાકાત બાબતે શ્રીવાસ્તવે કહ્યું હતું કે, હું મારા એક મિત્રને મળવા ગયો હતો, ત્યાં શક્તિસિંહ મળ્યા. શક્તિસિંહે કહ્યું કે, મધુ શ્રીવાસ્તવની શુભેચ્છા મુલાકાત હતી.


comments powered by Disqus