બિલકિસ બાનુ ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે 11 દોષિતોની સજામાફી રદ કરી

Wednesday 10th January 2024 04:59 EST
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે એક દૂરોગામી અસરો જન્માવતા ચુકાદામાં ગુજરાતમાં 2002માં થયેલાં તોફાનો દરમિયાન બિલકિસ બાનુ નામની મહિલા સાથે ગેંગરેપ કરવાના 11 દોષિતોને સજાની મુદત વિત્યા પહેલાં જેલમાંથી મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે. કોર્ટે તમામ દોષિતોને બે અઠવાડિયામાં જેલ સમક્ષ સરેન્ડર થવા આદેશ આપ્યો છે. ગુજરાત સરકારે જેમની સજા માફ કરી હતી તે તમામ દોષિતોએ ફરી જેલમાં જવું પડશે. કોર્ટે કહ્યું કે, ગુજરાત સરકારે આરોપીઓને છોડી મૂકવા માટે સત્તાનો દુરુપયોગ કર્યો છે. કોર્ટે આને મહિલાઓનો અધિકાર છીનવી લેવાનો ક્લાસિક કેસ ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, દોષિતોએ ફોડ કરીને સજા માફી મેળવી છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે કહ્યું હતું કે, દોષિતોને સજા ગુનાઓ રોકવા માટે કરવામાં આવે છે. પીડિતાની તકલીફોની પણ આપણે ચિંતા કરવી જોઈએ. ગુજરાત સરકારને આરોપીઓને છોડી મૂકવાનો કોઈ અધિકાર નથી. રાજ્ય સરકારે તેની તાકાત અને સત્તાનો દુરુપયોગ કર્યો છે.


comments powered by Disqus