નવી દિલ્હીઃ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રો 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણીના મુખ્ય મહેમાન રહેશે. તેમના આ ભારતપ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે 26 રાફેલ વિમાન માટેની તથા ફ્રાન્સ પાસેથી ટેક્નોલોજી ટ્રાન્સફર દ્વારા ભારતમાં ત્રણ સબમરિનના નિર્માણ માટેની ડીલ પર કરાર થઈ શકે છે. ભારત-ફ્રાન્સ સંરક્ષણ-ઔદ્યોગિક સહકાર માટેની રૂપરેખા અપનાવે તેવી પણ ધારણા છે. નવી દિલ્હી અને પેરિસ એડવાન્સ્ડ ડિફેન્સ ટેક્નોલોજીની ડિઝાઇન, ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ અને મેન્યુફેક્ચરિંગમાં ભાગીદારી દ્વારા સંરક્ષણ સહકાર વધારવા આતુર છે. ભારત પ્રવાસમાં મેક્રો કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિનની પરેડ નિહાળવા ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક પણ કરશે.
મેક્રો આ વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલી જી-20 શિખર બેઠક માટે પણ ભારત આવ્યા હતા, જ્યારે પ્રધાનમંત્રી મોદી ગત 14 જુલાઈએ પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં વિશેષ સન્માનિત અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. છઠ્ઠી વખત એવું બનશે કે જ્યારે ફ્રાન્સના કોઈ નેતા પ્રજાસત્તાક દિનની ઉજવણીના મુખ્ય અતિથિ રહેશે. ભારતે અગાઉ 2024ના પ્રજાસત્તાક દિન સમારોહ માટે ત્રણેય ક્વોડ દેશો- અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાને આમંત્રિત કરવામાં રસ દાખવ્યો
હતો. ચોથી ક્વોડ શિખર બેઠક 2024માં ભારતમાં યોજાવાની છે.

