યુએઈના રાષ્ટ્રપતિ નાહ્યાાન સાથે વડાપ્રધાન મોદીનો અમદાવાદમાં રોડ-શો

Wednesday 10th January 2024 04:59 EST
 
 

અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત આરબ અમિરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ નિમિત્તે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઊમટી પડ્યા હતા. યુએઈના રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે PM મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિદેશ મંત્રી એસ.જયશંકર પણ એરપોર્ટ પહોંચ્યા હતા.
આ તકે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, ફોરેન સેક્રેટરી વિનય ક્વાત્રા, યુએઈના ભારતીય એમ્બેસેડર સુંજય સુધીર, રાજ્ય પોલીસવડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક, ગલ્ફના જોઇન્ટ સેક્રેટરી અસિમ મહાજન, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. સહિતના મહાનુભાવોએ યુએઈના રાષ્ટ્રપ્રમુખને આવકાર્યા હતા.આ પ્રસંગે એરપોર્ટ ખાતે યુએઈના રાષ્ટ્રપ્રમુખને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. યુએઈ પ્રેસિડેન્ટને આવકારતાં ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી પણ રજૂ કરાઈ હતી. પ્રધાનમંત્રી અને અમદાવાદીઓ દ્વારા ભવ્ય સ્વાગત સત્કાર બાદ બંને દેશના વડા રોડ-શો કરતા એરપોર્ટ તિરંગા સર્કલથી ઇન્દિરાબ્રિજ સર્કલ તરફ આગળ વધ્યા હતા. રોડ-શોના રૂટ પર અલગ અલગ જગ્યાએ બનાવેલા સ્વાગત પોઇન્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જય શ્રીરામના નારા લાગ્યા
જિલ્લા કલેક્ટર અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક ગુજસેલ ખાતે પહોંચ્યા હતા. તેમજ રાજ્યપાલ સહિત અન્ય અધિકારીઓ પણ વડાપ્રધાન અને UAEના રાષ્ટ્રપતિના સ્વાગત માટે તૈયાર ઊભા હતા. બાળકો હાથમાં સુસ્વાગતમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પોસ્ટર લઈ સ્ટેજ પર ઊભા હતા. આ દરમિયાન જય શ્રીરામ અને ભારત માતા કી જયના નારા લાગ્યા હતા.
એકસાથે 50 લોકોનો શંખનાદ
કડીથી બ્રહ્મનાદ (શંખનાદ)નાં બાળકો તથા યુવક એરપોર્ટ બહાર પ્રથમ નંબરના સ્ટેજ પર ઊભાં હતાં. જેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAE રાષ્ટ્રપતિનું શંખનાદ કરી સ્વાગત કર્યું હતું. આ બંને મહાનુભાવના આવતાં જ આ 50 બાળકો દ્વારા એકસાથે શંખનાદ કરાયો હતો.
કારમાં બંને દેશના વડાની ચર્ચા
રોડ-શો દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ બંને એક જ ગાડીમાં ચર્ચા કરતા જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રી અને યુએઈના રાષ્ટ્રપતિના કાફલાની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગાડીઓ પણ જોવા મળી હતી. તો કાફલામાં યુએઈનું ડેલિગેટ્સ અને સરકારી અધિકારીઓ પણ જોડાયા હતા. આમ પીએમ મોદી અને UAEના રાષ્ટ્રપતિના કાફલામાં 50થી વધુ ગાડીઓ જોડાઈ હતી.
રાષ્ટ્ર ધ્વજ સાથે યુવક દ્વારા સ્વાગત
અમદાવાદ એરપોર્ટ બહાર પીએમ મોદી અને UAEના રાષ્ટ્રપતિના સ્વાગત માટે અરુણ નામનો યુવક પોતાની બોડી પર ઇન્ડિયાનો રાષ્ટ્રધ્વજ દોરાવીને આવ્યો હતો. અરુણે બોડી પર INDIA UAE FRIENDSHIP LONG LIVE પણ લખાવ્યું હતું. અરુણે જણાવ્યું હતું કે, તે પીએમ મોદીનો ફેન છે. અગાઉ ટ્રમ્પ અને મોદીના રોડ-શોમાં પણ તે આવ્યો હતો.
બંને દેશોના ધ્વજ લહેરાયા
એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી લોકો પીએમ મોદી અને UAE પ્રેસિડેન્ટના રોડ-શોને લઈને આતુર જોવા મળ્યા હતા. લોકો હાથમાં ઇન્ડિયા અને UAEના ઝંડા સાથે ઊભા રહેલા જોવા મળ્યા હતા. અલગ અલગ રાજ્યોનાં સાંસ્કૃતિ નૃત્ય પણ રોડ-શોના રૂટ પર જોવા મળ્યાં હતાં. એરપોર્ટથી લઈ ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી બંને દેશોના ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ સહિતના નેતાઓનાં બેનર લગાવવામાં આવ્યાં હતાં.
ભારત-UAE વચ્ચ ટ્રેડ અને ટેક્નોલોજી મુદ્દે
MOU થવાની શક્યતા
આપને જણાવી દઈએ કે, યુએઈના રાષ્ટ્રપતિ નાહ્યાન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં ભારત અને UAE વચ્ચે ખાસ ટ્રેડ અને ટેક્નોલોજી મુદ્દે એમઓયુ થવાની શક્યતા છે.


comments powered by Disqus