નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલા જ ભાજપે દરેક બેઠક પર પ્રચાર શરૂ કરી દેવાની યોજના બનાવી છે. પીએમ મોદી સહિત પાર્ટીના વિવિધ નેતા સભાઓને સંબોધશે. પાર્ટીનું લક્ષ્યાંક દરેક બૂથ પર 50 ટકા વોટ અંકે કરવાનું છે. ચૂંટણી જાહેર થતા પહેલા દરેક સીટ પર ‘મોદીની ગેરન્ટી'નો નેરેટીવ સેટ કરવામાં આવશે. આ અભિયાન 15 જાન્યુઆરીથી શરૂ થશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂર્ણ થશે. ચૂંટણી અભિયાનની આ બ્લૂ પ્રિન્ટ ગત દિવસોમાં પાર્ટી પદાધિકારીઓની દિલ્હીમાં મળેલી બેઠકમાં નક્કી કરવામાં આવી હતી. જે હેઠળ તમામ 543 બેઠક પર મોદીની ગેરન્ટી લોકોની જીભે લાવવાનો
વ્યૂહ છે.
કોંગ્રેસ 14 જાન્યુઆરી પહેલા બેઠકો અંગે નિર્ણય લેશે
લોકસભાની તૈયારીમાં મચી પડેલી કોંગ્રેસ એમપી, રાજસ્થાન, તેલંગાણા, કર્ણાટક સહિત અન્ય રાજ્યો માટે અલગ અલગ તૈયારી કરી રહી છે. આ રાજ્યોમાં કોંગ્રેસ એકલેહાથે લડશે.
જ્યારે 10 રાજ્ય એવાં છે જ્યાં કોંગ્રેસ 'ઇન્ડિયા' ગઠબંધનના પક્ષો સાથે મળીને પ્રચાર અભિયાન ચલાવશે. પાર્ટી હાલ સંગઠન મજબૂત કરવાની સાથે સીટોની વહેંચણીને લઈને પણ મંથન કરી રહી છે. કોંગ્રેસની અલાયન્સ કમિટીએ પોતાનો રિપોર્ટ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુનને સોંપી દીધો છે. જેના આધારે 9 જાન્યુઆરી બાદ સાથી પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે.

