વારાણસીઃ રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને મુસ્લિમ મહિલાઓમાં પણ ખૂબ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. એમાં પણ વારાણસીની બે મુસ્લિમ મહિલાઓએ ગંગા-જમુની સંસ્કૃતિનું શાનદાર ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમની આગેવાનીમાં વારાણસીથી મુસ્લિમ મહિલાઓનું દળ રામનામની અખંડ જ્યોત અયોધ્યા પહોંચ્યું છે. ત્યાંથી અખંડ જ્યોત પ્રજ્વલિત કરીને વારાણસી લાવવામાં આવશે. મોટી વાત એ છે કે આ જ અખંડ જ્યોતથી મુસ્લિમ મહિલાઓ 22 જાન્યુઆરીએ દીપ પ્રગટાવી પ્રાણપ્રતિષ્ઠાની પૂજામાં વારાણસીમાં સામેલ થશે.
હાથમાં રામનામનો ઝંડો લઈને અને જય શ્રીરામના જયઘોષ સાથે વારાણસીની રહેવાસી નાઝનીન અન્સારી અને નઝમા પરવીન 6 જાન્યુઆરીએ અયોધ્યા માટે રવાના થઈ. તેઓ અયોધ્યા પહોંચીને રામલલ્લાનાં દર્શન કરશે અને ત્યાંથી અખંડ જ્યોતને પ્રજ્વલિત કરીને વારાણસી લઈ આવશે. જે બાદ 22 જાન્યુઆરીએ આ જ જ્યોતથી સૌને રામનામની જ્યોત વિતરિત કરશે.
નાઝનીન અને નઝમાનું કહેવું છે કે 500 વર્ષ બાદ આ સપનું પૂર્ણ થયું છે. શ્રીરામ અમારા પૂર્વજ છે. તેમના મંદિરમાં બિરાજમાન થવા અંગે અમને ગર્વ છે. આ મંદિર કટ્ટરપંથીઓ માટે એક બોધ છે. નફરતના અંધકારે આપણા પૂર્વજોને ચહેરા ઢાંકી દીધા હતા. હવે રામજ્યોત સૌના ચહેરા સાફ કરશે. ધર્મ બદલી શકીએ છીએ, પરંતુ પોતાની સંસ્કૃતિ ન બદલી શકીએ. હિંસા, નફરત અને આતંકવાદ પર રામજ્યોતિ ભારે પડશે.

