સુરતઃ સુરતમાં ડાયમંડ હબ શરૂ થવાની સાથે જ હીરાઉદ્યોગ માટે જરૂરી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ શરૂ કરી દીધી છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થતાં જ હીરાઉદ્યોગને નવો વેગ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇન્સની શારજાહ-સુરત-શારજાહ અને સુરત-દુબઈ-સુરતની ફ્લાઇટ ભરાઈ જઈ રહી છે, ત્યારે સ્પાઇસ જેટ એરલાઇન્સે પણ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી સુરત-દુબઈ-સુરતની ફ્લાઇટ ટેકઓફ કરવાની તૈયારી શરૂ કરી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇન્સે શારજાહ-સુરત-શારજાહ બાદ દુબઈ-સુરત-દુબઈની ફ્લાઇટ શરૂ કરી છે. જે બંને ફ્લાઇટ વીકલી છે અને તેને 90% સુધીનો પેસેન્જર લોડ મળી રહ્યો છે.
આ સ્થિતિથી સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જરની અવરજવર 12 મહિનામાં 4,107થી વધીને સીધી 7,349 પર પહોંચી ગઈ છે. તેવામાં જ એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇન્સની શારજાહ-સુરત-શારજાહ અને સુરત-દુબઇ-સુરત ફ્લાઇટના પેસેન્જર લોડને જોતાં જ સ્પાઇસ જેટ એરલાઇન્સે જણાવ્યું છે કે, અમે પણ દુબઈ-સુરત-દુબઈની ફ્લાઇટનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. જે મામલે અમે ટૂંક સમયમાં જાહેરાત કરીશું.

