‘મિલ્ક કેપિટલને નોલેજ કેપિટલ બનાવવાનો માર્ગ કંડારશે ચારુસેટ’

Wednesday 10th January 2024 05:37 EST
 
 

આણંદઃ ભારત જ નહીં વિશ્વને નવી રાહ ચીંધનારી આણંદની ભૂમિ આજે પણ દુનિયાની કચિત ચમકદમકથી બહાર છે. સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ, શ્વેતક્રાંતિનું એપિ સેન્ટર, ઇરમા, દેશને એકત્રીકરણ કરવાની પ્રેરણા મળી તેવી ગ્રામીણ પૃષ્ઠભૂમિ પર યુનિવર્સિટીની પરિકલ્પના કરનાર મહાનુભાવો સન્માનીય છે. મિલ્ક કેપિટલને જ્ઞાનની કેપિટલ એટલે નોલેજ કેપિટલ બનાવવા માટે ચારુસેટ ઉત્પ્રેરકનું કાર્ય કરશે એમ ભારત સરકારના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા વિભાગોના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ચારુસેટ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પ્રવચન આપતાં જણાવ્યું હતું.
ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતાં કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, ડિગ્રી મહત્ત્વપૂર્ણ છે, પરંતુ યોગ્યતા- કાર્યક્ષમતા એનાથી વધુ મહત્ત્વપૂર્ણ છે. ચારુસેટ યુનિવર્સિટીમાં રોજગાર સર્જન અને રોજગાર યોગ્ય વ્યક્તિના નિર્માણનો માહોલ શરૂઆતથી છે. અમૃતકાળનાં આગામી 25 વર્ષમાં આજના વિદ્યાર્થીઓ માત્ર ગુજરાત અને ભારતમાં જ નહીં, દુનિયાને નવી રાહ ચીંધશે.
અમૃતકાળમાં ચારુસેટના પૂર્વ વિદ્યાર્થીઓ ગ્લોબલ લીડર્સ બનશે. તેઓએ ઉપસ્થિત સર્વે પદવીધારકોને સંશોધન, કૌશલ્યો, ભાષા પ્રભુત્વ, ઉદ્યોગ સાહસિકતા થકી ભારતને ડેવલપ ઈકોનોમી બનાવવા માટે યોગદાન આપવા આહવાન કર્યું હતું. ચારુસેટના પ્રેસિડેન્ટ સુરેન્દ્રભાઈ પટેલે પદવીધારકોને ગ્લોબલ વિઝન રાખી ‘વિઝન 2047-ફ્યુચર રેડી ઇન્ડિયા’માં યોગદાન આપવા આહવાન કરતાં જણાવ્યું કે, ગ્લોબલ વિઝન ડેવલપ કરો અને વૈશ્વિક મુદ્દાઓથી વાકેફ રહો.
2728 વિદ્યાર્થીઓને પદવી એનાયત
ચારુસેટના પદવીદાન સમારંભમાં કુલ 2728 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. જેમાં વિવિધ વિદ્યાશાખામાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને 44 ગોલ્ડમેડલ એનાયત કરાયા હતા, જેમાં 25 વિદ્યાર્થિનીઓ અને 14 વિદ્યાર્થીઓ સામેલ હતા. કુલ 44 તેજસ્વી છાત્રોને પીએચડીની ડિગ્રી એનાયત થઈ હતી. પ્રારંભમાં ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાયે સર્વેનું સ્વાગત કરતાં યુનિવર્સિટીની સિદ્ધિઓ અને પ્રવૃત્તિ વિશેની જાણકારી આપી હતી. પરંપરાના ભાગરૂપે રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલની આગેવાની હેઠળ પદવીધારક વિદ્યાર્થીઓ તેઓનાં મૂલ્યો, જ્ઞાન અને કૌશલ્ય થકી રાષ્ટ્ર અને સશક્ત સમાજના નિર્માણ માટે બહુમૂલ્ય યોગદાન આપે એ ઉદ્દેશ્યથી સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે કેળવણી મંડળના માનદમંત્રી ડો. એમ.સી. પટેલ, માતૃસંસ્થા અને ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ નગીનભાઈ પટેલ, ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, વિવિધ વિદ્યાશાખાના ડીન, અધ્યાપકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus