ચૂંટણીમાં હિન્દુત્વના મુદ્દાની નિર્ણાયક ભૂમિકા રહી હતીઃ દેવેન્દ્ર ફડણવીસ

Wednesday 11th December 2024 05:10 EST
 
 

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં હિન્દુત્વના મુદ્દાએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને રાજ્યમાં થયેલા ધ્રુવીકરણને ખાળી શકાયું હતું જેના પગલે રાજ્યમાં મહાયુતિને વિક્રમી બેઠકો સાથે વિજય મળ્યો હતો.
ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ત્રીજીવાર શપથ લેનારા ફડણવીસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હિન્દુત્વ અને વિકાસ એક સિક્કાની બે બાજુ છે. તે સાથે તેમણે ભાજપના હિન્દુત્વને એક જીવનશૈલી ગણાવી હતી. આ ઇન્ટરવ્યૂમાં ફડણવીસે આરોપ મૂક્યો હતો કે, વિરોધપક્ષ મહાવિકાસ અઘાડીએ ઇસ્લામિક વિદ્વાન સજ્જાદ નોમાની સાથે એક કરાર કર્યો હતો. જેમાં એવું નક્કી થયું હતું કે, 2012થી અત્યાર સુધી થયેલાં કોમી રમખાણોમાં જેટલા પણ મુસ્લિમો સામે કેસ થયા હતા, તે તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવશે.
ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ‘બટેંગે તો કટેંગે'ના સૂત્રને જોરશોરથી ઉછાળ્યું હતું, અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'એક હૈ તો સેફ હૈ'નું સૂત્ર આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન નોમાનીએ 'વોટ જેહાદ'ની હાકલ કરી હતી, પરંતુ ફડણવીસે ‘મતોનું ધર્મયુદ્ધ' જેવું અણીદાર સૂત્ર આપીને આ હાકલને ખાળી હતી. ઈન્ટરવ્યૂમાં ફડણવીસે કહ્યું હતું કે, કોંગ્રેસે હિન્દુુઓ પર ખૂબ અત્યાચારો કર્યા હોવાથી જ મતદાનની ટકાવારી વધી હતી. જ્યારે તમે કોઈને દબાવવાનો પ્રયાસ કરશો તો તે વધુ મજબૂત થઈને બેઠો થશે. હિન્દુત્વના મુદ્દાએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને રાજ્યમાં થયેલા ધ્રુવીકરણને ખાળી શકાયું હતું, જેના પગલે મહાયુતિને જંગી બેઠકો સાથે વિજય મળ્યો હતો.
અમારી વિકાસની યોજનાઓ અને હિન્દુત્વ બરાબર કામ કરી ગયા. હિન્દુત્વ અને વિકાસ એક સિક્કાની બે બાજુ છે. આ વખતની ચૂંટણીમાં 66.05 ટકા જેટલું મતદાન નોંધાયું હતું જે 2019માં નોંધાયેલા 61.1 ટકા મતદાનથી 5 ટકા વધુ હતું. ભાજપનું હિન્દુત્વ એક જીવનશૈલી છે અને તે કોઈ ધાર્મિક વિધિ-વિધાન નથી. હિન્દુત્વ પ્રત્યે કોઈની પણ દૃષ્ટિ સંકુચિત ના હોવી જોઈએ એમ ફડણવીસે કહ્યું હતું.
પોતાના કાર્યો દ્વારા ખુદ વડાપ્રધાન મોદીએ દર્શાવી આપ્યું છે કે હિન્દુત્વ શું છે. મુસ્લિમ મતો ગુમાવી દેવાના ડરથી જે લોકો મંદિરે જતાં ડરતા હતા, તેઓએ પણ મંદિરોમાં જવાની શરૂઆત કરી દીધી હતી એમ ફડણવીસે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર ટોણો મારતાં કહ્યું હતું.


comments powered by Disqus