ગાંધીનગરઃ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે બુધવારની સાંજે દિલ્હીમાં સરકારી બંગલે યોજેલા ભોજન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના 110થી વધુ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષપદ પરથી વિદાય લેનારા પાટીલના આયોજનમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી રમણલાલ વોરાની ગેરહાજરી સૌકોઈને ઊડીને આંખે વળગી હતી. પાટીલે તેમના નિવાસસ્થાને યોજેલા ડિનરમાં વલસાડી ઊંબાડિયુ અને સુરતી ઊંધિયાની સાથે પૂરી અને મઠા જેવી વાનગીનું ભોજન પિરસ્યું હતું. પૂર્વ મંત્રી રમણલાલ વોરા સામે બોગસ ખેડૂતોની ફરિયાદો થઈ છે, જ્યારે વધુ એક પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. આ બંને ધારાસભ્યોની દિલ્હીમાં પાટીલના બંગલે ગેરહાજરી રહ્યાની ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે, પાટીલની પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે વિદાય બાદ નવા વર્ષના આરંભે નવા પ્રમુખની નિમણૂક થશે. જો કે તે પહેલાં 5 ડિસેમ્બરથી ભાજપમાં મંડલ પ્રમુખોની નિયુક્તિનો દોર શરૂ થશે.

