નકલીનો સિલસિલો યથાવત્ઃ ગુજરાતમાં હવે ઈડીની નકલી ટીમ પકડાઈ

Wednesday 11th December 2024 05:32 EST
 
 

ભુજઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નકલી અધિકારી બનીને લોકોને ફસાવવાની અનેક ઘટના બની રહી છે. આ જ પ્રકારની વધુ એક ઘટના કચ્છથી બહાર આવી છે. આ વખતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની નકલી ટીમ બનાવીને મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતી ગેંગના સભ્યોને ઝડપી લેવાયા હોવાનું બહાર આવ્યું છે. ઈડીની નકલી ટીમ પકડાતાં આપના ગોપાલ ઇટાલિયાએ મજાકમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કે, ‘મને તો આ જ અસલી લાગે છે, કમસેકમ આ લોકોએ તો ગુજરાતમાં દરોડા પાડવાની હિંમત કરી.’
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇડીના નકલી ઓફિસર બનીને આ ટોળકીએ ગાંધીધામ તેમજ આસપાસના વિસ્તારના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શિકાર બનાવ્યા છે. નકલી પીએમઓના અધિકારી, જજ, વકીલ, પોલીસ, ટીચર, આચાર્ય વગેરે જેવી ઘટનાઓ બાદ આખી નકલી ઈડી કાર્યરત્ હોવાનું પૂર્વ કચ્છ પોલીસના ધ્યાનમાં આવતાં એમાં સંડોવાયેલી અમદાવાદના બે શખ્સ સહિત કુલ 8થી વધુ શખ્સોને ઝડપી લેવાયા છે.
અમદાવાદમાં રૂ. 1.50 કરોડની ઠગાઈ કરી હતી
ગત વર્ષે ઓગસ્ટમાં અમદાવાદમાં ઈડી અધિકારી હોવાનું કહીને એક ઠગે રૂ. 1.50 કરોડની ઠગાઈ આચરી હતી. નકલી ઈડી અધિકારી ઓમવીરસિંહે બોગસ આઇકાર્ડ બનાવ્યું હતું, જેમાં આઇ.આર.એસ, એડિશનલ ડાયરેક્ટર એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું. જેના આધારે એક વેપારીને ટેન્ડરની લાલચ આપી રૂ. 1.50 કરોડ પડાવ્યા હતા.


comments powered by Disqus