ઢાકાઃ બાંગ્લાદેશના વચગાળાના સલાહકાર નોબેલ પારિતોષિક વિજેતા મોહંમદ યુનુસ નવી સરકારની રચના અંગે વિચારી રહ્યા છે. સૂત્રો મુજબ યુનુસ પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના અવામી લીગના નેતાઓની હાજરી વિના સરકાર બનાવવાનું વિચારી રહ્યા છે. હસીનાની મુખ્ય વિરોધી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) તરફથી વહેલી ચૂંટણી કરાવવા યુનુસ પર ભારે દબાણ છે. જો કે અત્યારે ચૂંટણી યોજી શકાય તેમ ન હોવાથી યુનુસ વચગાળાની સરકાર બનાવવા વિચારી રહ્યા હશે. આ સરકારમાં બીએનપીના નેતા વડાપ્રધાન હશે અને અવામી લીગ સિવાયના જમાત-એ-ઇસ્લામી અને અન્ય કટ્ટરવાદી મુસ્લિમ પક્ષોની બનેલી સરકાર હશે. જેમાં બીએનપીનાં બેગમ ખાલિયા ઝીયા વડાંપ્રધાન હોઈ શકે છે. શેખ હસીનાનાં કટ્ટર વિરોધી ખાલિદા ઝિયાને થોડા સમય પહેલાં જ જેલમુક્તિ મળી છે.
બાંગ્લાદેશમાં BNPની ભારતવિરોધી કૂચ
પૂર્વ પીએમ ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) સાથે જોડાયેલાં 3 સંગઠનોએ રવિવારે ભારત વિરુદ્ધ ભારે દેખાવોનું આહવાન કર્યું હતું. બીએનપીના જ્ઞાતિવાદી છાત્ર દળ, જુબોદળ અને સ્વચ્છ સેબક દળના 15 હજાર કાર્યકરો નયાપલટનમાં પાર્ટીના મુખ્યાલયમાં એકઠા થયા હતા અને પછી ભારતીય દૂતાવાસ તરફ કૂચ કરી હતી. જો કે, બીએનપી કૂચ 7 કિ.મી. દૂર સ્થિત ભારતીય હાઈ કમિશન સુધી પહોંચે તે પહેલા પોલીસે તેમને અટકાવી દીધા હતા. બાદમાં ત્રણેય સંસ્થાના પ્રતિનિધિઓએ હાઈ કમિશનને એક પત્ર સોંપ્યો હતો. બાંગ્લાદેશમાં અરાજકતાથી હિન્દુઓ ભયભીત છે.
ઈસ્કોન મંદિર-મૂર્તિઓ સળગાવાયાં
ઢાકાસ્થિત ઇસ્કોન મંદિર પર કટ્ટરવાદીઓએ હુમલો કર્યો હતો અને મંદિરને આગ લગાવી દેવાઈ હતી, જેમાં મંદિરની મૂર્તિઓ પણ બળીને ખાખ થઈ હતી.
તલવારથી કાપી નાખીશુંઃ કટ્ટરવાદીઓ
બાંગ્લાદેશના ઢાકામાં ઇસ્કોન મંદિર અને સેન્ટરમાં તોડફોડ આગચંપીની ઘટના દરમિયાન સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ કરી કટ્ટરવાદીઓ દ્વારા સંદેશ મુકાયો છે કે, ઇસ્કોન પર પ્રતિબંધ નહીં લગાવો તો અમે તલવારોથી કાપી નાખીશું.
પાકિસ્તાનને ફાયદો
આ દરમિયાન બાંગ્લાદેશ સરકારે નિર્ણય લીધો છે કે હવે પાકિસ્તાનીઓને બાંગ્લાદેશ જવા માટે વિઝા મુદ્દે આકરા નિયમોનો સામનો નહીં કરવો પડે, સરળતાથી વિઝા મળશે.

