વારાહીઃ ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હિન્દુ બ્રાહ્મણ બહેનના ઘરે પુત્રના લગ્નપ્રસંગે મુસ્લિમ ભાઈ દ્વારા વાજતેગાજતે સોનાનાં ઘરેણાં સાથે રૂ. 6.51 લાખ રોકડ મળી કુલ રૂ. 12 લાખનું ભવ્ય મામેરું ભરીને બહેનની ભાઈની કમીને દૂર કરી હતી. આ સાથે હિન્દુ-મુસ્લિમ ધાર્મિક એકતાનાં પણ દર્શન કરાવ્યાં હતાં.
વારાહી ખાતે રહેતાં અલકાબહેન વ્યાસને ભાઈ ન હોય ગામના મુસ્લિમ સમાજના મલેક મોહંમદખાન હુસૈનખાન 15 વર્ષ પૂર્વે તેમના ધર્મના ભાઈ બન્યા હતા. ભાઈ-બહેનનો વર્ષોથી પવિત્ર સંબંધ જળવાઈ રહ્યો હોઈ, બુધવારે અલકાબહેન ગિરીશભાઈના પુત્રનાં લગ્નમાં મલેક મોહંમદખાને મામા તરીકે પોતાની ફરજ અદા કરવા રંગેચંગે મામેરું ભર્યું હતું. જેમાં મામેરામાં 6 તોલાનો સોનાનો હાર, 2 વીંટી સહિતનાં ઘરેણાં અને રૂ. 6,51,000 રોકડા તેમજ પરિવારને પહેરામણી મળી રૂ. 12,07,786નું ભવ્ય મામેરું ભર્યું હતું. મામેરા પ્રસંગમાં મલેક રસૂલખાન, મલેક સરદારખાન, મલેક કરીમખાન, મલેક સિકંદરખાન, તાલુકા સદસ્ય ઇમરાનખાન, તાલુકા સદસ્ય વસિમખાન, મુસ્લિમ સમાજનાં મહિલા અને ભાઈઓ હાજર હતાં.
અલકાબહેન મારાં મોટાં બહેનસમાન છે: ભાઈ
મામરું ભરનારા મલેક મોહંમદખાને જણાવ્યું કે, હું અને ગિરીશભાઈ 20 વર્ષથી ભાગીદારીમાં ધંધો કરીએ છીએ. ગિરીશભાઈનાં પત્ની અલકાબહેનને ભાઈ ન હોવાથી હું તેમનો ભાઈ બન્યો હતો. તે મારાં મોટાં બહેન સમાન છે.

