અમદાવાદઃ ગુજરાતમાં આ મહિનેથી સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન શરૂ થશે. સુરતની સુચિ સેમિકોન નામની કંપની 15 ડિસેમ્બરથી ઉત્પાદન શરૂ કરશે. કંપની દ્વારા રોજની 3 લાખ ચિપનું નિર્માણ થશે. આ તમામ ચિપ અમેરિકાની ટી.વી, એસી. કોમ્પ્યુટર બનાવતી કંપનીને એક્સપોર્ટ કરવામાં આવશે. ગુજરાતમાં સેમિકંડક્ટર ઉત્પાદનની 4 કંપનીઓને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી આ પહેલી કંપની છે જેમાં ઉત્પાદન શરૂ થશે. 15મી ડિસેમ્બરે ઉદ્દઘાટન થયા બાદ સુચી સેમિકોનમાં ચિપનું ઉત્પાદનનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે. ટ્રાયલમાં 50 હજાર સેમિકંડક્ટર ચિપનો લોટ બનાવીને ટેસ્ટિંગ માટે અમેરિકા મોકલવામાં આવશે. ત્યાંથી એપ્રુવલ આવ્યા બાદ તેનું કોમર્શિયલ લેવલ પર ઉત્પાદન શરૂ કરવામાં આવશે. સુરતના ટેક્સટાઈલ વેપારી દ્વારા કડોદરા ખાતે સુચિ સેમિકોન કંપની સ્થાપવામાં આવી છે. જેમાં હાલ રોજની 3 લાખ સેમિકંડક્ટર ચિપનું ઉત્પાદન થશે, ત્યાર બાદ 3 વર્ષમાં આ કંપની રોજની 30 લાખ સેમિકંડક્ટર ચિપ બનાવે તેવો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.
50 એન્જિનિયર્સ, 25 ઓપરેટર દ્વારા ઉત્પાદન કરવામાં આવશે
ખાસ સુચી સેમિકોનના ડિરેક્ટર શેલત મેહતાએ કહ્યું હતું કે, સેમિકંડક્ટર ચિપનું ઉત્પાદન કરવા માટે ટીમ તૈયાર કરવામાં આવી છે. જેના માટે કંપની દ્વારા દેશ અને વિશ્વના અલગ અલગ દેશમાંથી એક્સપર્ટને ટીમમાં સામેલ કરાયા છે. કંપનીમાં બીટેક અને એમટેક સુધી અભ્યાસ કરેલા 50 એન્જિનિયર્સ, અને 25 આઈટીઆઈ ઓપરેટરની ભરતી કરવામાં આવી છે. તમામ સ્ટાફ મળી કંપનીમાં 150 લોકોનો સ્ટાફ છે. આ તમામ કર્મચારીઓની છેલ્લાં ત્રણ મહિનાથી ટ્રેનિંગ ચાલી રહી છે. તેઓ રોજની 3 લાખ ચિપનું ઉત્પાદન કરશે.

