18 વર્ષથી રંગેચંગે ગણેશોત્સવ ઉજવે છે કિંગ્સબરીના રશ્મિબહેન અમીનનો પરિવાર

Wednesday 11th September 2024 09:53 EDT
 
 

યુકેને કર્મભૂમિ બનાવી લાખો ભારતીયોએ વસવાટ કર્યો, પરંતુ પોતાના મનમાં શ્રદ્ધા રાખી આપણા તહેવારોને તેમણે હજુપણ જીવંત રાખ્યા છે. ગણેશોત્સવની ઉજવણી કરતો આવો જ એક પરિવાર છે કિંગ્સબરીમાં રહેનારો રશ્મિબહેન અશ્વિનભાઈ અમીનનો. રશ્મિબહેનના પરિવાર દ્વારા સતત 18 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેઓ આ વર્ષે ગણેશોત્સવના છેલ્લા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. શરૂઆતમાં માત્ર ઘરમાં પૂજા-અર્ચના કરી પરિવાર પૂરતી ઉજવણી બાદ અહીં રહેનારા અન્ય ભારતીયોના પણ આ ગણપતિ આસ્થાના કેન્દ્ર બની ગયા હતા, જેથી બાદમાં તેની મોટાપાયા પર ઉજવણી કરવામાં આવી રહી હતી.
18 વર્ષ પહેલાં રશ્મિબહેનનાં સાસુ હીરાબા દ્વારા ગણેશોત્સવની જે પ્રકારે ઉજવણી કરાતી હતી, તેવી જ રીતે આ વર્ષે પણ રશ્મિબહેન અને અશ્વિનભાઈ દ્વારા ગણેશજીને વાજતે-ગાજતે ઓવારણાં લઈ મંત્રોચ્ચાર અને પૂજા સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવી.
રશ્મિબહેને જણાવ્યું કે, 1970-71માં મારા પતિ અશ્વિન ઇન્દોર રહેતા હતા ત્યારે નવરાત્રી દરમિયાન મારાં સાસુ હીરાબાને પૂજારી દ્વારા એક અલૌકિક ગણેશજીની જમણી સૂંઢવાળી એક ઇંચની મૂર્તિ આપવામાં આવી હતી, જેને પણ અમે દરવર્ષે પૂજામાં રાખીએ છીએ. આ સાથે અમે ગણપતિની મુખ્ય પ્રતિમાનું પણ સ્થાપન કરીએ છીએ.
આ નિમિત્તે રશ્મિબહેનના પરિવાર દ્વારા ગણપતિના પ્રિય લાડુ, પૂરણપુરી, દાળ-ભાત, શાક અને પૂરીનો જમણવાર રાખવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 125 લોકોએ હાજર રહી પ્રસાદી આરોગી હતી. રશ્મિબહેન દ્વારા આ નિમિત્તે પ્રસાદી માટે પોતાના હાથે જ 1411 લાડુ બનાવવામાં આવ્યા હતા.
આ વર્ષે ગણેશોત્સવનું છેલ્લું વર્ષ હોવાથી અમે વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા કરી છે. જે મુજબ 15 સપ્ટેમ્બરે અમે 94 સીટર ડબલ ડેકર કોચથી વિસર્જન માટે બ્રાઇટન જવાનું નક્કી કર્યું છે. બ્રાઇટન કાઉન્સિલની મંજૂરી બાદ અમે દરિયામાં શ્રીજીનું વિસર્જન કરીશું. શરૂઆતના પ્રથમ વર્ષે અમે થેમ્સ નદીમાં વિસર્જન કર્યું હતું, જ્યારે છેલ્લા વર્ષે અમે બ્રાઇટન ખાતે વિસર્જન કરીશું. આ દરમિયાન અમે યુકેના વિવિધ સ્થળે વિસર્જનનો કાર્યક્રમ રાખ્યો હતો.


comments powered by Disqus