ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી બાદ ત્રીજીવાર વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે. આગામી 16 અને 17 સપ્ટેમ્બર આસપાસ તેમની ગુજરાત મુલાકાત ગોઠવાઈ શકે છે. ગુજરાત ભાજપે મોદીના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવાનું આયોજન કર્યું છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર તેમની વિશાળ સભા યોજાશે. અમદાવાદ એરપોર્ટ પર તેઓ ઉતરે તે પછી જીએમડીસી ગ્રાઉન્ડ સુધી એક રોડ શોનું પણ આયોજન કરવા બાબતે વિચાર થઈ રહ્યો છે. આ સિવાય મોદી ગાંધીનગરમાં 17 સપ્ટેમ્બરે ગ્રીન એનર્જી વિષયક કાર્યકર્મમાં હાજરી આપશે.
વડનગર પણ જઈ શકે
વડાપ્રધાન વડનગરમાં પણ હાજરી આપે તેવી સંભાવના છે. મહેસાણા જિલ્લા કલેક્ટર એમ.નાગરાજનની આગેવાનીમાં વહીવટી તંત્ર દ્વારા 1047 બોટલ રક્ત એકત્ર કરી મોદીના જન્મ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે.
સ્વૈચ્છિક સંગઠનો, પોલીસ, આરોગ્ય સહિત સરકારી વહીવટી તંત્ર અને ભાજપ સંગઠનના સંકલનમાં વડનગર જીએમઈ આરએસ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરાયું છે. આ ઉપરાંત કેટલાક સરકારી પ્રકલ્પો મોદી ખુલ્લા મૂકી શકે છે.
ગિફ્ટ સિટી- મોટેરા મેટ્રોનું લોકાર્પણ
નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બરે મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કામાં ગાંધીનગર (સેક્ટર-1)થી ગિફ્ટ સિટી- મોટેરા રૂટનુ લોકાર્પણ કરશે. PM નરેન્દ્ર મોદી ગાંધીનગરના સેક્ટર 1 અને 2 નજીકના મેટ્રો સ્ટેશનથી ટ્રેનમાં મુસાફરી કરીને ગિફ્ટ સિટી સ્ટેશન આવશે. ગિફ્ટ સિટીમાં રોકાણકર્તા, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને માઇક્રોચિપ સહિતના ઉદ્યમીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટીથી તેઓ અમદાવાદ સ્થિત GMDC ગ્રાઉન્ડ ખાતે યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજીત સરકારી યોજના તેમજ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂર્હતના કાર્યક્રમને સંબોધશે. ત્યાંથી તેઓ પરત રાજભવન જઈ 17 સપ્ટેમ્બરે અમદાવાદથી દિલ્હી જશે.

