મોહન માંઝી ઓડિશાના નવા મુખ્યમંત્રીઃ આંધ્રમાં ચંદ્રાબાબુ બનાવશે સરકાર

Wednesday 12th June 2024 08:46 EDT
 
 

નવી દિલ્હીઃ ભાજપ દ્વારા ઓડિશાના નવા મુખ્યમંત્રી માટે પસંદગી થઈ ચૂકી છે, જે અંતર્ગત મોહન માંઝી ઓડિશાના મુખ્યમંત્રીપદ માટે શપથ ગ્રહણ કરશે. રક્ષામંત્રી રાજનાથસિંહની હાજરીમાં ઓડિશાના ભાજપ ધારાસભ્યોની સર્વસંમતિથી મોહન માંઝીની ધારાસભ્યદળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી. મુખ્યમંત્રી મોહમ માંઝી સિવાય 6 વખતના ધારાસભ્ય કે.વી. સિંહદેવ અને પ્રથમ વખત ધારાસભ્ય બનેલાં પ્રવતી પરિદાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીની પસંદગી માટે રક્ષામંત્રી રાજનાથસિંહ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને પર્યવેક્ષક તરીકે મુખ્યમંત્રીની પસંદગી માટે ઓડિશા પહોંચ્યા હતા. અહીં રાજનાથસિંહની આગેવાનીમાં મોહન માંઝીના નામ પર મુખ્યમંત્રી તરીકેની મહોર લાગી.
ચંદ્રાબાબુ ચોથી વખત બનશે મુખ્યમંત્રી
આંધ્રપ્રદેશમાં સરકાર બનાવવા માટે મંગળવારે ટીડીપી, જનસેના અને ભાજપ ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુને સર્વસંમતિથી એનડીએ ધારાસભ્યદળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તો અભિનેતાથી રાજકારણી બનેલા જનસેનાના વડા પવન કલ્યાણને વિધાનસભા ફ્લોર લીડર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે 12 જૂને ચંદ્રાબાબુ મુખ્યમંત્રીપદ માટે શપથ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી તરીકે આ તેમની ચોથી ટર્મ હશે. તેમના શપથ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના દિગ્ગજો હાજરી આપે તેવી શક્યતા છે. નાયડુની કેબિનેટમાં ટીડીપીના 20, જનસેનાના 3 અને ભાજપના 2 મંત્રીનો સમાવેશ થઈ શકે છે. આંધ્રપ્રદેશ ચૂંટણીમાં NDAએ 175 પૈકી 164 બેઠક મેળવી એકતરફી વિજય મેળવ્યો છે.
પ્રેમસિંહ તમાંગ સતત બીજી વાર સિક્કિમના મુખ્યમંત્રી બન્યા
પૂર્વોત્તર રાજ્ય સિક્કિમના મુખ્યમંત્રી તરીકે સતત બીજી વાર પ્રેમસિંહ તમાંગે શપથ લીધા છે. તેમની સાથે 8 ધારાસભ્યોએ પણ પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા. સિક્કિમમાં વિધાનસભાની 32 સીટ છે. પ્રેમસિંહ તમાંગની પાર્ટી સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ 31 સીટ જીતી છે. સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી માટે 19 એપ્રિલે એક ચરણમાં મતદાન થયું હતું અને બીજી જૂને પરિણામ જાહેર થયા હતા. આ ચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (એસડીએફ) નો સફાયો કરી નાખ્યો છે.


comments powered by Disqus