અમદાવાદઃ ગુજરાતમાં ચાર-પાંચ ટર્મથી ચૂંટણી જીતનારાં સાંસદોને આ વખતે પણ મંત્રીપદ મળી શક્યું નહીં. જ્યારે પહેલીવાર જ સાંસદ બન્યાં છે તેવાં મહિલા સાંસદ નીમુબહેન બાંભણિયાની લોટરી લાગી હતી. સિનિયર સાંસદોએ મંત્રીપદના ફોનની કાગડોળે રાહ જોઈ હતી પણ મેળ પડ્યો નહોતો.
ગત વખતે મહિલા સાંસદ દર્શના જરદોશને મંત્રીપદ મળ્યું હતું, જ્યારે આ વખતે ભાવનગરથી પહેલીવાર સાંસદ બનેલાં નીમુબહેન બાંભણિયાને મંત્રીપદે તક અપાઈ છે.
આ વખતે પૂનમ માડમને મંત્રીપદનો મેળ પડ્યો નહીં. પહેલીવાર ચૂંટાયેલાં નીમુબહેન બાંભણિયા, વિનોદ ચાવડા, મનસુખ વસાવા, પ્રભુ વસાવાને મંત્રીપદનો ફોન આવ્યો હતો. આ સાથે રાજેશ ચૂડાસમા, મિતેશ પટેલ, ભરતસિંહ ડાભી અને જશવંતસિંહ ભાભોર કે જેઓ એકથી વધુ વખત સાંસદ બન્યા છે તેઓ ધારતા હતા કે, તેમને મંત્રીપદ મળશે પણ એવું થયું નહીં.
આ સિનિયર સાંસદોએ રાત ઉજાગરો કરીને ફોનની ઘણી જ રાહ જોઈ, પરંતુ મેળ પડ્યો નહીં. આખરે નિરાશા જ સાંપડી હતી. બીજી બાજુ પહેલીવાર ચૂંટાયેલાં નિમુબેન બાંભણિયાને મંત્રીપદનો ફોન આવતાં જાણે લોટરી લાગી હતી.

