નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 14 કે 15 માર્ચે જાહેરાત થવાની શક્યતા છે.
2019ની જેમ સાત તબક્કામાં લોકસભા ચૂંટણી થઈ શકે છે. ચૂંટણીપંચ લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે અને આ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ચૂંટણીપંચની ફુલ બેન્ચ રાજકીય પ્રતિનિધિઓને મળી હતી. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે.
કોંગ્રેસ વિપક્ષી ગઠબંધનના સાથીઓ સાથે બેઠકોની વહેંચણીને અંતિમ ઓપ આપી રહી છે, જ્યારે ભાજપ તેના 195 ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી ચૂક્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા દિગ્ગજ નેતાઓના નામ છે. આ અઠવાડિયે ભાજપ ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી શકે છે. કોંગ્રેસે પણ મંગળવાર સુધી તેના 82 ઉમેદવારો જાહેર કર્યા છે. આ ચૂંટણીમાં દેશના 96.8 કરોડથી વધુ મતદાર મતાધિકારનો ઉપયોગ કરશે અને નવી સરકારનં ગઠન કરશે.