નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશન, ચૂંટણી કમિશનરની નિયુક્તિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટમાં અરજી દાખલ કરાવીને નવી જોગવાઈ અનુસાર નવી નિયુક્તિ પર સ્ટેની માગ કરાઈ છે. સાથે જ અરજીમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠના નિર્ણય અનુસાર ચૂંટણીપંચના સભ્યોની નિયુક્તિનો નિર્દેશ આપવા માગ કરાઈ છે.
લોકસભા ચૂંટણી પહેલાં જ કમિશનર અરુણ ગોયલના અકળ રાજીનામાથી દેશમાં ચર્ચા છે. મુખ્ય ચૂંટણી કમિશન અને ચૂંટણી કમિશનરોની નિયુક્તિ બાબતે કેન્દ્રના નવા કાયદાને પડકારતો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. 15 માર્ચે બે નવા ચૂંટણી કમિશનરની નિયુક્તિ થવાની સંભાવના છે. પસંદગી સમિતિ સભ્યોની ઉપલબ્ધિ પ્રમાણે 13 કે 14 માર્ચે એક બેઠક યોજશે.
કેન્દ્રીય કાયદામંત્રીના નેતૃત્વમાં એક સમિતિ રચાશે, જેમાં ગૃહવિભાગ, કર્મચારી અને તાલીમ વિભાગના કેબિનેટ સચિવ સામેલ હશે, બંને પદ માટે પાંચ-પાંચ નામની બે અલગ અલગ પેનલ તૈયાર કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રીના નેતૃત્વવાળી કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી સહિતની કમિટી ચૂંટણી કમિશનર તરીકે બે વ્યક્તિનાં નામ નક્કી કરશે.