એકસાથે 3 ટાર્ગેટ પર હુમલો કરવા સક્ષમ ‘અગ્નિ-5’નું સફળ પરીક્ષણ

Wednesday 13th March 2024 08:23 EDT
 
 

શ્રીહરિકોટાઃ ભારતે મિશન દિવ્યાસ્ત્ર હેઠળ અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ડીઆરડીઓ સહિત ભારતીય વૈજ્ઞાનિકો માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને ભારતીય વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. ભારતની મિસાઇલ ટેક્નોલોજીને આગળ વધારનારી આ ટેક્નોલોજી સેન્સર પેકેજની સાથે 1.5 ટન સુધીનાં પરમાણુ હથિયારો લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
ભારતે મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રિ-એન્ટ્રી (MIRV) ટેક્નોલોજી સાથે અગ્નિ-5 મિસાઇલ વિકસાવી છે, જેને દિવ્યાસ્ત્ર મિશન નામ અપાયું છે. તેને દિવ્યાસ્ત્ર કહેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, આ મિસાઇલ એકસાથે અનેક સો કિલોમીટરમાં ફેલાયેલાં 3 લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. આ સિવાય આ મિસાઇલમાં અન્ય ઘણી વિશેષતા પણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન દિવ્યાસ્ત્ર માટે ડીઆરડીઓના વિજ્ઞાનીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે મિશન દિવ્યાસ્ત્ર માટે આપણા ડીઆરડીઓના વિજ્ઞાનીઓ પર ગર્વ છે. MIRV ટેક્નોલોજી સાથે ઘરઆંગણે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું પરીક્ષણ મહત્ત્વપૂર્ણ એટલા માટે છે કે આ સંપૂર્ણપણે સ્વદેશી છે.
ભારતની સૌથી શક્તિશાળી અને અવાજની ગતિથી 24 ગણી ઝડપી અગ્નિ-5 મિસાઇલ એક પરમાણુ સક્ષમ બેલેસ્ટિક વેપન છે. જેની મારક ક્ષમતા 5.400 કિ.મી.થી વધુ છે. મતલબ કે તે ચીન અને યુરોપના કેટલાક ભાગો સહિત એશિયાભરનાં વિવિધ ક્ષેત્રો પર હુમલા કરવાની ક્ષમતા ધરાવે છે. તે ભારતના શસ્ત્રાગારમાં સૌથી દૂર સુધી ત્રાટકવા સક્ષમ હથિયાર છે. આ મિસાઇલ એ રીતે પણ અદ્વિતીય છે કે તે 5,000 કિ.મી.થી વધુની મહત્તમ ઓપરેશનલ રેન્જમાં સફળતાપૂર્વક પ્રક્ષેપિત થનારું પ્રથમ અસ્ત્ર છે.


comments powered by Disqus