એનડીએમાં ટીડીપી 6 વર્ષ પછી પરત, અકાલી દળ પણ જોડાઈ શકે છે

Wednesday 13th March 2024 08:25 EDT
 
 

નવીદિલ્હીઃ લોકસભા ચૂંટણીની તૈયારીમાં ભાજપ પોતાનો કિલ્લો મજબૂત કરી રહ્યો છે. આ ક્રમમાં 6 વર્ષ પહેલાં અલગ થયેલી ટીડીપીને એનડીએમાં સામેલ કરવામાં આવી છે. ટીડીપી 1996થી 2018 સુધી એનડીએમાં હતી. સૂત્રોએ જણાવ્યું કે, પંજાબમાં જૂના સહયોગી શિરોમણી અકાલી દળ સાથે પણ વાતચીત ચાલે છે. તે જ સમયે, તેલંગાણામાં બીઆરએસ સાથે જોડાણની શક્યતા પણ તપાસાઈ રહી છે.
ઓડિશા, આંધ્ર, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બંગાળમાં 204 બેઠકો એવી હતી, જ્યાં ભાજપ સામે પડકાર હતો. તેથી જે પક્ષો વિરોધમાં હતા અથવા અલગ હતા, તેમને સામેલ કરવામાં આવી રહ્યા છે. 2014માં એનડીએમાં 24 પાર્ટીઓ હતી જે હવે 38 થઈ ગઈ છે. બે મહિનામાં બિહારથી જેડીયુ, યુપીથી આરએલડી એનડીએમાં સામેલ થયાં છે.
ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુએ ગઠબંધનની જાહેરાત કરી હતી. અહીં ભાજપ-જનસેના 8 લોકસભા અને 30 વિધાનસભા બેઠક પર લડશે.
બીજેપી-બીજેડી ગઠબંધન લગભગ નક્કી
5 માર્ચે પીએમ મોદી ઓડિશામાં હતા. એક કાર્યક્રમ દરમિયાન તેઓ મુખ્યમંત્રી અને બીજુ જનતાદળના વડા નવીન પટનાયક સાથે એક મંચ પર દેખાયા હતા. પ્રધાનમંત્રી મોદીએ નવીન પટનાયકનાં વખાણ કર્યાં હતાં. નરેન્દ્ર મોદી અને નવીન પટનાયકના વલણને લઈ ભાજપ અને બીજેડીનું ગઠબંધન નક્કી મનાય છે.


comments powered by Disqus