ગાંધીધામઃ સતત 16 વર્ષથી દેશનાં મહાબંદરોમાં અવ્વલ રહેતું દીનદયાળ મહાબંદર ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવાની દિશામાં અગ્રેસર બન્યું છે. કંડલા મહાબંદર અને ગાંધીધામ સંકુલના વિકાસ માટે મહત્ત્વના એવા આ પ્રકલ્પ માટે વિદેશી, ભારતની અને સ્થાનિક કંપનીઓ દ્વારા રસ દાખવવામાં આવ્યો હોવાની અને આ ઉપરાંત ગ્રીન ટગ અને ફ્લોટિંગ ગ્રીન ડ્રાય ડોક સહિતના પ્રકલ્પો પણ પ્રગતિમાં હોવાની માહિતી ડીપીએ ચેરમેન એસ.કે. મહેતાએ દિલ્હી ખાતે શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલના અધ્યક્ષસ્થાને યોજાયેલી મેરેથોન બેઠકમાં આપી હતી.
ગત ઓક્ટોબરમાં મુંબઈ ખાતે યોજાયેલી ગ્લોબલ મેરિટાઇમ સમિટમાં થયેલા વિવિધ કારાર અંગે સ્ટેક હોલ્ડર સાથે શિપિંગ મંત્રાલય દ્વારા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડીપીએ દ્વારા કરાયેલા પ્રકલ્પો અંગેનો રોડ મેપ રજૂ કરતાં ચેરમેન એસ.કે. મહેતાએ જણાવ્યું હતું કે, ડીપીએ દ્વારા દેશનાં તમામ મહાબંદરો પૈકી સૌથી વધુ 1.45 લાખ કરોડના એમઓયુ કરાયા હતા. જે પૈકી મહત્તમ એમઓયુ ગ્રીન હાઇડ્રોજન માટેના જ છે. આ પ્રકલ્પ માટે ઇ-ઓક્શન અને ઓનલાઇન ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. પોર્ટ દ્વારા 3600 એકરમાં 300 એકરના નવ, 200 એકરના ત્રણ અને 150 એકરના પ્લોટ વિકસાવવામાં આવશે. આ માટે નેધરલેન્ડની કંપનીઓ, રિલાયન્સ એનર્જી, એલ એન્ડ ટી એનર્જી, સ્થાનિક કચ્છ કેમિકલ, વન કેમિકલ, આહિર સોલ્ટ, રુદ્રા ગેસ સહિતની કંપનીઓએ રસ દાખવ્યો છે. 14 પૈકી ત્રણ પ્લોટના ઓક્શનમાં સર્વાધિક રકમ મળી છે, જ્યારે ચોથા પ્લોટનું ઇ-ઓક્શન પ્રગતિમાં છે.
ગ્રીન એમોનિયા માટે 80 હજાર મેટ્રિક ટન સંગ્રહ કરવાની સુવિધા વિકસાવાઈ છે. આ ઉપરાંત કોચીન શિપયાર્ડ સાથે ગ્રીન ટગના એમ.ઓ.યુ.ની પણ કામગીરી પ્રગતિમાં છે અને આ માટે ડિટેઈલ રિપોર્ટ પણ તૈયાર કરાયો છે.

