કોંગ્રેસ સત્તામાં આવશે તો 30 લાખ શિક્ષિત બેરોજગારને નોકરીઃ રાહુલ

Wednesday 13th March 2024 06:42 EDT
 
 

સુરતઃ કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રા મંગળવારે 12 માર્ચે દક્ષિણ ગુજરાતમાં આવી પહોંચી હતી. કોંગ્રેસના રાહુલ ગાંધીએ ન્યાયયાત્રામાં બારડોલી અને તાપીની મુલાકાત કરી. રાહુલ ગાંધીએ ખુલ્લી જીપમાં બેસી યાત્રા કાઢી ચોકસભા પણ સંબોધી હતી. ન્યાયયાત્રામાં શક્તિસિંહ ગોહિલ, રાજ બબ્બર, જયરામ રમેશ, અમિત ચાવડા સહિતના નેતાઓ પહોંચ્યા હતા. કોંગ્રેસની યાત્રા બારડોલી, તાપી અને સોનગઢ પહોંચવાની હતી. જો કે રાહુલ ગાંધી સોનગઢનો કાર્યક્રમ ટૂંકાવી દિલ્હી રવાના થયા હતા.
વ્યારામાં રાહુલ ગાંધીએ ટાંક્યું હતું કે, ભારતમાં 22 એવા લોકો છે જેઓ પાસે 50 ટકા વસ્તીનાં નાણાં અને સંપત્તિ છે. સરકારે દેશના બધા સેક્ટર આ 22 લોકોને વેચી માર્યાં છે. રાહુલે ફરી ભારત જોડો ન્યાયયાત્રામાં આદિવાસીઓને સંબોધીને ઉદ્યોગપતિઓ પર નિશાન સાધ્યું હતું.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાના ગુજરાતમાં પ્રવેશના બીજા દિવસે દાહોદ ખાતે રોડ શો દ્વારા શરૂઆત કરી લીમખેડા, પીપલોદ થઈ ગોધરા પહોંચી હતી. જ્યાં જાહેરસભાને સંબોધન કરી આગળ કાલોલ થઈ હાલોલ પહોંચી હતી. ત્યાંથી શક્તિપીઠ પાવાગઢ પહોંચી હતી. ગોધરા અને હાલોલમાં જાહેર સભાને સંબોધનમાં રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. ગોધરામાં રાહુલ ગાંધીએ જીપમાંથી જ જાહેર સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ જો સત્તા પર આવશે તો 30 લાખ શિક્ષિત બેરોજગારોને નોકરી અપાશે.
પાવાગઢમાં યાત્રાને રોકીને રાહુલે બસ સ્ટેન્ડ પાછળ આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિરે દર્શન કર્યા હતાં.


comments powered by Disqus