નવી દિલ્હીઃ કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની 43 નામની બીજી યાદી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાતની 7 બેઠકો પરના ઉમેદવારનાં નામ પણ જાહેર કરવામાં આવ્યાં છે. ગુજરાતના કચ્છમાં નીતિશભાઈ લાલન, બનાસકાંઠામાં ગેનીબહેન ઠાકોર, અમદાવાદ ઇસ્ટમાં રોહન ગુપ્તા, અમદાવાદ વેસ્ટમાં ભરત મકવાણા, પોરબંદરમાં લલિત વસોયા, બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી અને વલસાડમાં અનંતભાઈ પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે.
કોંગ્રેસ દ્વારા ઉમેદવાર ઘોષિત કરાયેલા આ 7 ઉમેદવાર પૈકી 2 ધારાસભ્યો, એક પૂર્વ ધારાસભ્ય અને 4 નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઠાકોર સમાજ પર વર્ચસ્વ ધરાવતાં ગેનીબહેન ઠાકોર અને પાટીદાર ચહેરો લલિત વસોયાની ટિકિટ કન્ફર્મ માનવામાં આવતી હતી. લોકસભા ચૂંટણી પહેલાં જ ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. ભરતસિંહે જમ્મુ-કાશ્મીરના પ્રભારીની જવાબદારી અને ગુજરાતમાં પક્ષનો પ્રચાર કરી શકે તે માટે ચૂંટણી ન લડવા ઇચ્છા વ્યક્ત કરી છે. જ્યારે જગદીશ ઠાકોરે નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધર્યું છે. તો માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ રાજીનામું ધરી દીધું છે. આમ કોંગ્રેસમાં એક પકડતાં તેર ભાગ્યા જેવા હાલ છે.

