રાજકોટઃ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ ભવન નિર્માણ અંગેના કાર્યક્રમમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. રૂપાલાએ કહ્યું કે, કોંગ્રેસે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ નહીં, પરંતુ હિન્દુઓની ભાવનાને ઠોકર મારી છે.
પરસોત્તમ રૂપાલાએ વધુમાં કહ્યું કે, અમે તો સ્વીકારીએ છીએ કે, સરદાર વલ્લભભાઈ પટેલ શુદ્ધ કોંગ્રેસી હતા, પરંતુ વડાપ્રધાને સરદારના વ્યક્તિત્વને છાજે તેવી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી, ત્યારે આ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની કોંગ્રેસના નેતાઓએ મુલાકાત લીધી હોય તેવી સેલ્ફી પણ જોવા મળી નથી. ભાજપના લોકસભાના ઉમેદવારના આ નિવેદનથી ફરી એક વખત રાજકારણ ગરમાયું છે.
રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરવામાં આવતો હતો કે, ચૂંટણી આવે ત્યારે જ રામમંદિરની વાતો કરે છે. તેમણે હળવી શૈલીમાં કહ્યું કે, ‘રામલલ્લા આયેંગે, મંદિર વહીં બનાયેંગે, તારીખ નહીં બતાયેંગે.’ આવું અમે ખૂબ સાંભળ્યું, પરંતુ બાદમાં તારીખ આવી, રામમંદિર પણ બની ગયું, આમંત્રણ પણ મોકલ્યું પણ કરમની કઠણાઈવાળા આવ્યા નહીં.

