આણંદઃ ભાજપમાં વધુ એક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોડાયા છે. પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ સહિત કોંગ્રેસના દિગ્ગજો, કાર્યકરો ભાજપમાં જોડાયા.
બોચાસણમાં અક્ષરબાગ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિધાનસભા ગૃહના નાયબ મુખ્ય દંડક અને બોરસદ ધારાસભ્ય રમણ સોલંકીએ ભાજપ વિચારધારાને સમર્થન આપનારા સરપંચ, ઉપસરપંચ, સહકારી સંસ્થાઓના ચેરમેન, વાઇસ ચેરમેન સહિત જિલ્લા-તાલુકાના પંચાયત સભ્યો, ગ્રામ પંચાયત સભ્યોના નિર્ણયને વધાવી આવકાર્યો હતો, તેમજ ભાજપ પરિવાર વધુ વિસ્તૃત અને વધુ મજબૂત બન્યો હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પેટલાદ વિધાનસભાના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને 6 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે રહેલા નિરંજન પટેલ સહિત વિધાનસભા વિસ્તારનાં વિવિધ ગામો અને પેટલાદ શહેરમાંથી કુલ 1500 કરતાં વધુ આગેવાનો કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાયા છે. આ કાર્યક્રમમાં પેટલાદ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો, ભાજપના સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

