ગાંધીનગરઃ એક સમયે ભાજપ સામે જ શિંગડાં ભીડાવનારા અને ભરૂચના આદિવાસી પટ્ટામાં એકચક્રી શાસન ભોગવનારા આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરેશ વસાવા, કોંગ્રેસના પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ સહિત આપ, કોંગ્રેસ અને બીટીપીના એક હજારથી વધુ આગેવાન કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.
ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. પાટીલે આ પ્રસંગે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ કરી રહ્યો છે, ત્યારે અન્ય પાર્ટીના કાર્યકરોને દેશની પ્રગતિમાં સહભાગી થવાની ઇચ્છા થતી હોય છે, આથી તેમના વિસ્તારના લોકો માટે કામ કરવા ભાજપમાં જોડાવાની ઇચ્છા થાય છે.
બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી તરીકે તેઓ જે વિકાસકાર્યો કરે છે, આદિવાસીઓ માટે કામ કરે છે તેનાથી પ્રેરાઈને ભાજપમાં જોડાયો છું.

