મારા ગયા પછી પોરબંદર કોંગ્રેસમાં શૂન્યાવકાશ: અર્જુન મોઢવાડિયા

Wednesday 13th March 2024 08:11 EDT
 
 

પોરબંદરઃ કોંગ્રેસમાં 40 વર્ષ સુધી પોતાની સેવા આપનારા પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગત સપ્તાહે કોંગ્રેસથી અને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ અને ટોપી પહેરી લીધાં હતાં.
પોરબંદર પહોંચેલા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, તેઓને ભાજપ જે પણ જવાબદારી સોંપશે તેને સ્વીકારી કાર્યરત્ રહેશે. તેમણે ઇશારો આપ્યો હતો કે, પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીમાં તેઓ ભાજપ તરફથી લડીને જીત મેળવી રાજ્યની કેબિનેટમાં સ્થાન મેળવી પોરબંદરના વિકાસને ઉચ્ચકક્ષાએ લઈ જશે.
અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી પક્ષ મને સ્થાનિકકક્ષાએ જે જવાબદારી સોંપશે તે આધારે હું કામ કરીશ. તેમના આ જવાબ પરથી સ્પષ્ટ થયું કે, હવે તેઓ સંસદ તરીકે કેન્દ્રમાં જવાને બદલે કેબિનેટ મંત્રી તરીકે વિધાનસભામાં રહીને પોરબંદરને વધુને વધુ લાભ અપાવશે.
રામદેવ મોઢવાડિયા 6 વર્ષ માટે સસ્પેન્ડ
દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપમાં પ્રવેશ કર્યા બાદ પણ તેમના નાનાભાઈ રામદેવભાઈ મોઢવાડિયા કોંગ્રેસમાં જ હતા. જો કે તેમને અચાનક જ કોંગ્રેસની શિસ્ત સમિતિએ પક્ષવિરોધી પ્રવૃત્તિનો આરોપ મૂકીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસના આ વલણથી રામદેવભાઈ મોઢવાડિયાએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે, તમારી પાસે એક પણ પુરાવો મારા દ્વારા થયેલી પક્ષવિરોધી પ્રવૃત્તિનો હોય તો મને આપો. આ રીતે ખોટો આરોપ મૂકીને સસ્પેન્ડ કરી શકાય નહીં.
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર નેતા રામદેવભાઈ મોઢવાડિયાને કોંગ્રેસની શિસ્ત સમિતિએ પક્ષવિરોધી પ્રવૃત્તિના આક્ષેપ મૂકીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાતાં તેના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે. રામદેવભાઈ મોઢવાડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, હું કોંગ્રેસ પક્ષને હંમેશાં વફાદાર રહ્યો છું. મેં સ્પષ્ટ કર્યું હતું કે, હું કોંગ્રેસમાં હતો અને કોંગ્રેસમાં જ છું તથા કોંગ્રેસમાં જ રહીશ.


comments powered by Disqus