જૂનાગઢઃ ભવનાથ વિસ્તારમાં આવેલા મૃગીકુંડમાં શાહીસ્નાનની સાથે જ જૂનાગઢનો પ્રખ્યાત મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થયો. ભવનાથના મહાશિવરાત્રી મેળાને માણવા અંતિમ દિવસે લાખો ભાવિકો ઊમટી પડ્યા હતા, તેમજ રાતે સાધુઓની રવેડી કાઢવામાં આવી હતી. ડીજેના તાલે દેશ-વિદેશથી આવેલા લોકો અને સાધુ-સંતોએ ટ્રેક્ટરમાં બેસી ‘હર હર મહાદેવ’ના નાદ સાથે રવેડી કાઢી હતી, જેમાં દિગંબર સાધુઓએ કરતબો કર્યાં હતાં, જેને જોઈ લોકો મંત્રમુગ્ધ થયા હતા.
‘હર-હર મહાદેવ’ના નાદથી ભવનાથ શિવમય બન્યું
રવેડી પૂરી થયા બાદ સાધુસંતોએ મૃગીકુંડમાં સ્નાન કરી ભવનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. ‘હર-હર મહાદેવ’ના નાદથી ભવનાથ શિવમય બન્યું હતું. મોડીરાત સુધી લોકોનો પ્રવાહ તળેટીથી શહેર તરફ વહેતો રહ્યો હતો.
મહાદેવને વિશેષ શણગાર કરાયો
શિવરાત્રી નિમિત્તે ભવનાથ મંદિરે મહાદેવને વિશેષ શણગાર કરાયો હતો. ઉપરાંત આશ્રમો તેમજ જગ્યાઓમાં ભાંગની પ્રસાદી અપાઈ હતી.
અખાડાના સાધુ-સંતો રવેડીમાં જોડાયા
આ વર્ષે રવેડીમાં બગીઓને પ્રવેશબંધી હતી, જેને લઈ તમામ અખાડાના સાધુસંતોની શાહી સવારી ટ્રેક્ટરોમાં કઢાઈ હતી. જૂના અખાડાના આરાધ્યદેવ દત્તાત્રેય ભગવાન, આહવાન અખાડાના ભગવાન ગણેશજી અને અગ્નિ અખાડાનાં આરાધ્ય ગાયત્રીમાતાજીની પાલખી જોડાઈ હતી.
સાધુ-સંતોએ મૃગીમુંડમાં સ્નાન કર્યું
રવેડી મોડીરાત્રે ભવનાથ મંદિરે પહોંચી હતી, ત્યાં પ્રથમ અખાડાના આરાધ્યદેવોને મૃગીકુંડમાં સ્નાન કરાવાયું હતું. બાદમાં સાધુ-સંતોએ મૃગીમુંડમાં સ્નાન કર્યું હતું. ભવનાથ મહાદેવની મહાઆરતી પણ કરાઈ હતી. આ સાથે મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થયો હતો.

