નવી દિલ્હીઃ વધારે કમાણી અને ઉચ્ચ લાઇફ સ્ટાઇલવાળી નોકરીની લાલચ આપીને બળજબરીથી ભારતીયોને રશિયા-યુક્રેનની જીવલેણ જંગમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર મોટાભાગે રશિયા પહોંચ્યા પહેલાં લોકોને એ નથી જણાવવામાં આવતું કે તેમને રશિયા-યુક્રેન જંગમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. રશિયા પહોંચ્યા બાદ તેમની પાસે એક કોન્ટ્રાક્ટ સાઇન કરાવવામાં આવે છે, જે રશિયન ભાષામાં હોય છે. કોન્ટ્રાક્ટમાં લખ્યું હોય છે કે તેઓ રશિયન સેનાની સાથે હેલ્પર તરીકે કામ કરશે, જેના બદલે તેમને દર મહિને રૂ. 2 લાખનું વળતર ચૂકવાશે.
આ ગેંગ હવે સીબીઆઇની નજરમાં આવી ચૂકી છે. જે અંતર્ગત 7 માર્ચે એજન્સીઓ દ્વારા દિલ્હી, તિરુવનંતપુરમ, મુંબઈ, અંબાલા, ચંડીગઢ, મદુરાઈ અને ચેન્નઈમાં 13 સ્થળે દરોડા પાડવામાં આવ્યા. તપાસ દરમિયાન અત્યાર સુધી આ પ્રકારના 35 કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં સોશિયલ મીડિયા, પરિચિતો અને એજન્ટોના માધ્યમથી સારા પગારની નોકરીનો ખોટો વાયદો કરીને યુવાનોને રશિયા લઈ જવામાં આવે છે. આ અંગે તંત્ર દ્વારા 19 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે કેટલાક શખ્સોને ઝડપી પણ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં 2 ભારતીયનાં મોત નીપજ્યાં છે.