વડોદરાઃ મહાશિવરાત્રીના પાવન પર્વે 15 ફૂટ ઊંચા નંદી પર સવાર સુવર્ણજડિત શિવજીના પરિવારની નગરયાત્રા નીકળી હતી. વાજતે-ગાજતે પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવના પરિસરમાંથી નીકળેલી શિવજીની સવારીમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.
મહાશિવરાત્રીના પાવન દિવસે 15 ફૂટ ઊંચા નંદી પર સવાર સુવર્ણજડિત શિવજી, માતા પાર્વતી, ગણેશ, કાર્તિકેય અને નારદજીની ભવ્યાતિભવ્ય રથમાં સવારી નીકળી હતી. આ ભવ્ય શિવજીની સવારીએ માર્ગો પર અભૂતપૂર્વ આકર્ષણ જમાવ્યું હતું. ‘હર-હર મહાદેવ’ અને ‘બમ-બમ ભોલે’ના નાદ અને ભારે આતશબાજીથી યાત્રાનો માર્ગ પણ ગૂંજી ઊઠ્યો હતો. શહેરમાં ઠેરઠેર શિવજીની સવારીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
શિવજીની સવારીમાં સત્યમ્ શિવમ્ સુંદરમ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય યોગેશ પટેલ, મયંક પટેલ સહિત વડોદરા શહેરના ભાજપ, કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષના અગ્રણીઓ જોડાયા હતા.

