નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા નાગરિક સંશોધન બિલના કાયદા અંગેનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારનું આ સૌથી મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. સીએએ હેઠળ ત્રણ પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા મળી શકશે. જેના માટે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓનલાઇન પોર્ટલ પર આવેદન કરવાનું રહેશે. બીજી તરફ કેન્દ્ર દ્વારા નોટિફિકેશન જાહેર કર્યા બાદ દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપે સીએએને પોતાના ઘોષણાપત્રમાં મુદ્દો બનાવ્યો હતો, જેને મોટો મુદ્દો ગણાવવામાં આવી રહ્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહ પોતાના હાલના જ એક ભાષણમાં સીએએને લાગુ કરવા અંગે ઉલ્લેખ કરી ચૂક્યા હતા. તેમણે એલાન કર્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલાં તેને લાગુ કરી દેવામાં આવશે. હવે કેન્દ્ર સરકારે આ માટે નોટિફિકેશન જાહેર કરતાં આ કાયદાને લાગુ કરી દીધો છે.
સીએએ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના મુસ્લિમ સમુદાયને છોડીને અન્ય ધર્મોના લોકોને નાગરિકા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે સીએએ સંબંધિત એક વેબપોર્ટલ તૈયાર કર્યું છે, જ્યાં આ ત્રણેય મુસ્લિમ બહુલ દેશના લઘુમતી એટલે કે હિન્દુ, શિખ, ઈસાઈ, પારસી, બૌદ્ધ અને જૈનોએ આ પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જ્યાં સરકારી તપાસ બાદ તેમને ભારતની નાગરિકતા આપવામાં આવશે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા વિસ્થાપિત અલ્પસંખ્યકોને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર નહીં રહે.
તામિલનાડુમાં CAA લાગુ નહીં થાય: સ્ટાલિન
સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ એટલે CAA હેઠળ ભારતીય નાગરિકતા માટે ગૃહ મંત્રાલયે વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓ પાસે નાગરિકતા માટે આવેદન માગવામાં આવ્યાં છે.
બીજી બાજુ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે સીએએ પર રોક લગાવવાની માગ કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ 2019 અને સિટીઝનશિપ એમેન્ડમેન્ટ રૂલ્સ 2024ની વિવાદાસ્પદ જોગવાઈના અમલીકરણ પર રોક લગાવવાની માગ કરવામાં આવી છે.
બીજી તરફ તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણ સીએએ કાયદાનો વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે તામિલનાડુમાં કોઈપણ ભોગે સીએએ લાગુ કરવામાં આવશે નહીં. પ.બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ અંગે વિરોધ નોંધાવતાં જણાવ્યું કે, કેન્દ્રના નોટિફિકેશનમાં સીએએના નિયમોને લઈને કોઈ સ્પષ્ટતા નથી. મને તેની કાનૂની માન્યતા પર શંકા છે.
બીજી તરફ આસામના વિશ્વનાથમાં અસમ જાતીયતાવાદી યુવા છાત્ર પરિષદે સીએએની કોપીઓ બાળીને વિરોધ નોંધાવ્યો હતો. દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવાયો હતો, જેના પગલે યુનિવર્સિટીની બહાર પોલીસ અને આરએએફને તહેનાત કરવામાં આવ્યા છે.

