ભાવનગરઃ માનવસેવા માટે કદ વિશાળ હોવું જરૂરી નથી, તેના માટે ઊંચા વિચારો અને લોકહિતના વિચારો હોવા જરૂરી છે, ભલે તે કદમાં વામન હોય. ભાવનગર મેડિકલ કોલેજ કોરિડોરમાં એક આવા જ ડોક્ટર છે, જેઓ તેમના વિચાર અને 3 ફૂટના કદથી ચર્ચામાં છે. 22 વર્ષના ગણેશ બારૈયાએ એમબીબીએસ કરી તેની ઇન્ટર્નશિપ શરૂ કરી છે.
ભાવનગરના એક અંતરિયાળ ગામ ગોરખીના ગણેશ બારૈયાને ડોક્ટર બનાવાની પ્રેરણા તેમનાં માતા દેવુબહેને આપી હતી. આઠ ભાઈ-બહેનો પૈકી એકમાત્ર ભાઈ ગણેશના પિતા એક ખેડૂત છે અને કોલેજ સુધી અભ્યાસ કરનારા પરિવારના પ્રથમ સભ્ય છે.
ગણેશ બારૈયાનો ડોક્ટર બનાવાનો માર્ગ અવરોધોથી ભરપૂર હતો. 2018 માં તેમને અને અન્ય બે વિકલાંગ વિદ્યાર્થીને ગુજરાત સરકાર દ્વારા એમબીબીએસ કોર્સમાં પ્રવેશ નકારી તબીબી અભ્યાસની સખત માગનો સામનો કરવાની તેમની ક્ષમતા પર શંકા વ્યક્ત કરાઈ હતી. તેની ધોરણ-12ની પરીક્ષામાં 87% અને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં 233 માર્ક્સ હોવા છતાં તેને મેડિકલ સ્કૂલમાં સ્થાન આપવા ઇનકાર કરાયો હતો.

