અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 માર્ચે ગાંડીકૂચના દિવસે સાબરમતી ગાંધીઆશ્રમની મુલાકાત લઈ ગાંધીવંદના કરી ‘આશ્રમ ભૂમિવંદના’ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે તેમણે પુનઃ વિકસિત કોચરબ આશ્રમનું પણ ઉદઘાટન કર્યું હતું.
ગાંધીઆશ્રમ આવેલા પ્રધાનમંત્રી મોદીએ ગાંધીપ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત લીધી હતી અને પુનઃ નિર્માણ પ્રોજેક્ટને દર્શાવતું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. પ્રધાનમંત્રી મોદી સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, સાબરમતી આશ્રમ હંમેશાં ઊર્જાનું જીવંત કેન્દ્ર રહ્યું છે. અહીં આવી આપણે બાપુની પ્રેરણાને અનુભવી શકીએ છીએ. સાબરમતી આશ્રમે બાપુના સત્ય અને અહિંસા, રાષ્ટ્રસેવા અને વંચિતોની સેવામાં જ ભગવાનની સેવા જેવાં મૂલ્યોને જીવંત રાખ્યાં છે. દાંડીકૂચનો દિવસ ઐતિહાસિક છે. સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડીયાત્રા ભારતની આઝાદીની પૃષ્ઠભૂમિ સમાન રહી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, જે રાષ્ટ્ર પોતાની ધરોહરને સાચવવામાં સક્ષમ નથી તે પોતાનું ભવિષ્ય ગુમાવે છે. સાબરમતી આશ્રમ માનવતાનો વારસો છે. આશ્રમ પહેલાં જે 120 એકરનો હતો, તે ઘટીને માત્ર 5 એકર પૂરતો મર્યાદિત થઈ ગયો છે. 63 પૈકી 36 ઇમારતો જ હાલમાં હયાત છે અને તેમાંથી માત્ર 3 જ મુલાકાતીઓ માટે ખુલ્લી છે.
પ્રધાનમંત્રીએ આશ્રમની 55 એકર જમીન પરત મેળવવામાં આશ્રમવાસીઓના સહકારને સ્વીકારી તમામ ઇમારતોને તેના મૂળ સ્વરૂપમાં સાચવવાનો ઇરાદો દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રૂ. 1200 કરોડના ખર્ચે પ્રસ્તાવિત 55 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમ અને તેની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીને તેમની ઓળખ સ્થાપિત કરવાનો અને પ્રવાસીઓને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે મહાત્મા ગાંધીજીને સમર્પિત એક વિશ્વસ્તરીય સ્મારકનું નિર્માણ કરવાનો છે.
આ સ્મારક ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારશે. અહીંયા ગાંધીજીના જીવન અને વારસાને દર્શાવતાં માહિતીપ્રદ પ્રદર્શનોની સાથે બાપુ દ્વારા સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવેલા સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ જોવા મળશે. આ ઉપરાંત આ મુલાકાતીઓ માટે વ્યાખ્યાન કેન્દ્ર તેમજ ફૂડ કોર્ટ, સુવેનિયર શોપ વગેરે સુવિધાઓથી સજ્જ હશે.
આ પ્રોજેક્ટમાં મુખ્ય આશ્રમની સાદગી અને અધિકૃત સ્થાપત્યોને જાળવી રાખીને 20 જૂનાં મકાનોનું સંરક્ષણ, 13 મકાનોનો જિર્ણોદ્ધાર અને 3 મકાનોનો પુનઃ વિકાસ સામેલ છે. તેનો ઉદ્દેશ સાબરમતી આશ્રમની મુલાકાતે આવતા લોકો માટે શુદ્ધ, સ્વચ્છ, શાંતિપૂર્ણ અને હરિયાળું વાતાવરણ ઊભું કરવાનો છે.
5 એકરનો આશ્રમ 55 એકરમાં વિસ્તરશે
12 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધીઆશ્રમનું રૂ. 1200 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવાનું છે, ત્યારે પ્રધાનમંત્રી મોદી ગાંધીઆશ્રમ પહોંચ્યા અને માસ્ટર પ્લાન નિહાળ્યો હતો. બાદમાં સાબરમતી ગાંધીઆશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનનું રિમોટના માધ્યમથી લોન્ચિંગ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રૂ. 85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ પણ આપી છે. ગાંધીઆશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિડેવલપ કરાશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે.
મુખ્યમંત્રી સમયે કામને હાથમાં લીધું
પ્રધાનમંત્રી મોદીએ જનતાને સંબોધન કરતાં કહ્યું હતું કે, હું આ નવા પ્રકલ્પને દેશવાસીઓને અર્પણ કરું છું. હું મુખ્યમંત્રી હતો ત્યારથી આ કામ હાથ પર લીધું હતું. ઘણાં વિઘ્નો આવ્યાં હતાં, પરંતુ હવે ઝડપથી કામ શરૂ થાય અને પૂરું થાય તેવી આશા વ્યક્ત કરું છું.
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, સાબરમતી આશ્રમ, કોચરબ આશ્રમ અને ગૂજરાત વિદ્યાપીઠ વગેરેને આધુનિકતા સાથે જોડી રહ્યાં છીએ. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. સાબરમતી આશ્રમમાં હજારોની સંખ્યામાં લોકો આવશે. હું ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કહું છું કે, તમે ગાઇડ કોમ્પિટિશન કરો. સ્કૂલનાં બાળકો ગાંધીઆશ્રમમાં ઓછામાં ઓછો એક કલાક ગાળે.
ખાદી માત્ર નેતાઓનો પહેરવેશ હતી
ભાવિ પેઢી સાબરમતી આશ્રમ આવીને જોશે કે પૂજ્ય બાપુએ કેવી રીતે ચરખાના માધ્યમથી દેશના જન-મનને ચેતનવતાં કર્યાં હતાં. ગુજરાતમાં 9 લાખ ખેડૂત પરિવાર પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે. ખાદીની તાકાત ખૂબ વધી ગઈ છે. ખાદી માત્ર નેતાઓના પહેરવેશમાં હતી.
હવે આશ્રમનો વિકાસ થશે
અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું છે. સ્વતંત્રતા સાથે જોડાયેલાં સ્થાનોના વિકાસ માટે અભિયાન શરૂ કર્યું છે. દિલ્લી રાજપથને કર્તવ્ય પથ નામ અપાયું છે. એકતાનગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવ્યું છે, હવે સાબરમતી આશ્રમનો વિકાસ થશે.

