84 વર્ષ બાદ ગુજરાતમાં ચિત્તાની ઘરવાપસી થશે

Wednesday 14th August 2024 06:23 EDT
 
 

ભુજઃ કચ્છમાં 152 વર્ષ બાદ અને ગુજરાતમાં 84 વર્ષ બાદ ચિત્તાની ઘરવાપસી થઈ રહી છે. બન્નીના ઘાસીયા મેદાનમાં આ પ્રોજેક્ટને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. કુનો બાદ કચ્છ દેશમાં ચિત્તાનું બીજું ઘર બનશે. ડિસેમ્બર-2024 સુધી અહીં 10 ચિત્તાઓને હવાઈમાર્ગે લાવવામાં આવશે.
1952માં દેશમાં ચિત્તાને વિલુપ્ત પ્રાણી જાહેર કરી દેવાયું હતું. ગુજરાતમાં છેલ્લે વિસાવદરમાં વર્ષ 1940માં ચિત્તાની હાજરી નોંધાઈ છે. જો કે કચ્છમાં 1839 અને 1872માં ચિત્તાનો રેકોર્ડ નોંધાયેલો છે. કચ્છના ઘાસિયા મેદાનમાં 152 વર્ષ બાદ ચિત્તાઓ વિચરતા જોવા મળશે. 500 હેક્ટરના વિસ્તારમાં એન્ક્લોઝર બનાવી તેમાં ચિત્તાને રાખવામાં આવશે.
કુનો કરતાં બન્ની વધુ અનુકૂળ
ચિત્તાને પુન: સ્થાપિત કરવા નામિબિયાથી 8 અને આફ્રિકાથી 12 ચિત્તા કુનો લવાયા છે. જો કે કુનોની સરખામણીએ બન્નીનું ઘાસિયું મેદાન ચિત્તાને વધુ અનૂકૂળ આવશે. હાલ અહીં મીઠા વૃક્ષોના વાવેતર ઉપરાંત તેમના માટે શેડની પણ વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે.
હવે કેન્યાથી ચિત્તા લાવવાની ચર્ચા
સૂત્રો મુજબ આ વખતે કેન્યાથી ચિત્તાનું નવું કન્સાઇન્મેન્ટ લાવવામાં મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે, કારણ કે કેન્યાની આબોહવા કંઈક અંશે ભારતીય વન્યજીવ અભયારણ્યો સાથે મળતી આવે છે, તેમજ ત્યાં ખુલ્લામાં ચિત્તાઓ રહે છે.


comments powered by Disqus